સ્પેનમાં ઘણાં ફૂટબોલરો પર ફર્સ્ટ અને સેકન્ડ ડિવિઝનની મેચને ફિક્સ કરનારી ઍક ગેંગના હિસ્સેદાર હોવાની શંકાઍ મંગળવારે હિરાસતમાં લેવાયા છે. સ્પેનિશ મીડિયાઍ આપેલા અહેવાલો અનુસાર પોલીસનું અભિયાન હજુ ચાલું જ છે, જો કે સ્પેનની પોલીસે આ મામલે વિગતપૂર્વક માહિતી આપવાનું નકાર્યુ હતું. સ્થાનિક મીડિયા અનુસાર જેમને હિરાસતમાં લેવાયા છે તેમાં રિયલ મેડ્રિડનો ઍક માજી ખેલાડી પણ સામેલ છે અને તેના પર જ આ સંગઠનનું નેતૃત્વ કરવાની શંકા છે. જેમની ધરપકડ થઇ તેમાં ફર્સ્ટ ડિવિઝનમાં અન્ય ફૂટબોલર, માજી ફૂટબોલ ખેલાડીઓ ઉપરાંત છેલ્લી લા લીગામાં 19માં સ્થાને રહેલા હુસેકાના અધ્યક્ષ પણ સામેલ છે.
