૩૦મી મેના દિવસે યોજાનારી વડા પ્રધાનની શપથવિધિ ઐતિહાસિક બનવા જઈ રહી છે. ભવ્ય સમારોહ માટે કુલ ૮ હજાર મહેમાનોને આમંત્રણ અપાયું છે. આઝાદીથી આજ સુધીના ઈતિહાસમાં આ આંકડો સૌથી મોટો છે. અગાઉ ક્યારેય આટલી મોટી સંખ્યામાં મહેમાનોને આમંત્રિત કરાયા નથી.

સાંજે સાત વાગ્યાથી સાડા આઠ સુધી શપથવિધિ સમારોહ ચાલશે. એ પછી આમંત્રિતો પૈકી ખાસ ૪૦ મહેમાનોને રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ તરફથી ભોજન અપાશે. એ માટે પણ ભવ્ય ભોજન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં શપથ કાર્યક્રમ યોજાશે.
વડા પ્રધાનની શપથવિધિમાં સામાન્ય રીતે સાડા ચાર- પાંચ હજાર મહેમાનોને બોલાવાતા હોય છે. પરંતુ આ વખતે સંખ્યા ઘણી વધારે છે. રાષ્ટ્રપતિ ભવનના સેક્રેટરી અશોક મલિકે જણાવ્યુ હતું કે ભવન માટે પણ આ બહુ મોટી ઈવેન્ટ છે. નરેન્દ્ર મોદીની ૨૦૧૪ની શપથવિધિ વખતે સાર્ક દેશોના વડાઓને આમંત્રિત કરાયા હતા.
આ વખતે બે ઓફ બેંગાલ ઈનિશિયેટિવ ફોર મલ્ટિ સેક્ટરલ ટેકનિકલ એન્ડ ઈકોનોમિકલ કો-ઓપરેશન (બિમસ્ટેક) સંગઠનના સાત દેશોના વડાઓને આમંત્રિત કરાયા છે. સાતેય દેશોના વડાઓએ આમંત્રણ સ્વીકારી લીધું છે અને હાજર રહેવા સહમતી આપી દીધી છે.

રાષ્ટ્રપતિ ભવનમાં ઉપરાષ્ટ્રપતિ અને બિમ્સટેકના વડાઓ સહિતના મહેમાનો માટે ૯ વાગ્યે ભોજન સમારોહ શરૂ થશે. તેમાં રાષ્ટ્રપતિ ભવનની વિશિષ્ટ વાનગી ગણાતી દાલ રાયસિના પણ પિરસવામાં આવશે. આ વિશિષ્ટ દાળ બનાવામાં ૬થી ૮ કલાકનો સમય લાગતો હોય છે.
જોકે આ દાળ બનાવવામાં જાણકારોના મતે ૪૮ કલાક જેટલો સમય લાગતો હોય છે. વળી એ માટેની જરૂી સામગ્રી ફૂડ માટે જાણીતા શહેર લખનૌથી રાષ્ટ્રપતિ ભવનના રસોડામાં આવતી હોય છે. ભોજન સમારોહમાં આમંત્રિત ન હોય એવા મહેમાનોને વિવિધ પ્રકારનો નાસ્તો પૂરો પાડવામાં આવશે. આ બધો નાસ્તો શાકાહારી જ હશે, જેમાં સમોસા, રાજભોગ વગરે વાનગી હશે.
બિમસ્ટેકના વડાઓ ઉપરાંત થાઈલેન્ડની સરકારને પણ આમંત્રણ અપાયું છે. ત્યાંથી વિશેષ પ્રતિનિધિ હાજર રહેશે. બિલ ગેટ્સ અને ઈન્ટરનેશનલ મોનિટરી ફંડના વડાં ક્રિસ્ટીન લોગાર્ડને પણ આમંત્રણ મોકલાયું છે, પરંતુ તેઓ હાજર રહેશે કે કેમ તેની સ્પષ્ટતા આવી નથી. એ સિવાય દેશના તમામ મોટા નેતાઓ, વિવિધ રાજ્યના રાજ્યપાલ અને મુખ્યમંત્રીઓને આમંત્રણ આપવામાં આવ્યુ છે. દિલ્હીમાં હાજર વિવિધ દેશોના એમ્બેસેડરને પણ હાજર રહેવા નિમંત્રિત કરી દેવાયા છે. જોકે આઠ હજાર લોકો હાજર નહીં રહે તો પણ સાડા છ હજાર જેટલા મહેમાનો થવાનો અંદાજ છે.

બંગાળમાં માર્યા ગયેલા ભાજપના કાર્યકર્તાઓના પરિવારને ખાસ આમંત્રણ
- બંગાળમાં આ વખતે ભાજપના ઘણા કાર્યકર્તાઓ મૃત્યુ પામ્યા છે. ચૂંટણી પ્રચાર દરમિયાન ૫૪ કાર્યકર્તાઓની હત્યા થઈ હતી. આ દરેક પરિવારના બે-બે સભ્યોને પણ દિલ્હીનું તેડું આવ્યું છે. સમારોહમાં હાજર રહેવા ખાસ આમંત્રણ મળ્યું છે.
- પશ્ચિમ બંગાળના ભાજપ યુનિટે આ પરિવારોને દિલ્હી પહોંચાડવાની વ્યવસ્થા કરી છે.
સમારોહમાં કોણ કોણ આવશે?
આમંત્રિતોનું લિસ્ટ તો ઘણુ લાંબુ છે. અહીં કેટલાક નામો રજૂ કર્યા છે.
રાજનેતાઓ
- સોનિયા ગાંધી, મનમોહનસિંહ, રાહુલ ગાંધી,અરવિંદ કેજરીવાલ
- બિમસ્ટેકના વડાઓ
- પ્રવિંદ કુમાર જગનાથ (મોરેશિયસ)૯, સૂરોનબી જીનબેકોવ (કિર્ગિસ્તાન), અબ્દુલ હમિદ (બાંગ્લાદેશ), મૈત્રિપાલ સિરિસેના (શ્રીલંકા), કે.પી.શર્મા (નેપાળ), યુ વિન મીન્ટ (મ્યાનમાર), લોતેય ત્શેરિંગ (ભૂતાન)

વિશેષ પ્રતિનિધિ
- ગ્રિસાડા બૂનરેચ (થાઈલેન્ડ)
સ્પોર્ટ્સ-ફિલ્મ
- રજનિકાંત
- રાહુલ દ્રવિડ
- શાહરૂખ ખાન
- કંગના રનૌત
- સાનિયા નહેવાલ
- પી.ટી.ઉષા
- અનિલ કુંબલે
- જગવલ શ્રીનાથ
ઉદ્યોગપતિઓ
- મુકેશ અંબાણી
- ગૌતમ અદાણી
- રતન તાતા