તાજેતરમાં ગુજરાતમાં સુરતની એક બિલ્ડિંગમાં ભીષણ આગ ફાટી નીકળી હતી જેણે 22 જેટલા બાળકોનો ભોગ લીધો હતો. આગની આવી જ એક ઘટના દિલ્હીના જનકપુરી વિસ્તારમાં બની છે. દિલ્હીની એક ગર્લ્સ હોસ્ટેલમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. હોસ્ટેલમાંથી 50થી વધુ છોકરીઓનો આબાદ બચાવ કરી લેવાયો છે જ્યારે પાંચ છોકરીઓ ઈજાગ્રસ્ત થઈ હોવાથી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામા આવી છે.
આગ એટલી ભીષણ હતી કે છોકરીઓએ હોસ્ટેલના પહેલા માળેથી છલાંગ લગાવીને પોતાનો જીવ બચાવવાના મરણીયા પ્રયાસ કર્યા હતા. દિલ્હી ફાયર સર્વિસના અધિકારી અતુલ ગર્ગે જણાવ્યું કે, ‘આગ લાગવાની સૂચના અમને બપોરે લગભગ 3.05 વાગ્યે મળી હતી. અમે તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચીને હોસ્ટેલમાંથી 50થી વધુ છોકરીઓને સુરક્ષિત બચાવી લીધી હતી. પાંચ છોકરીઓ ઈજાગ્રસ્ત થતા તેમને હોસ્પિટલ ખસેડાઈ હતી.’
ફાયર અધિકારીઓના જણાવ્યા અનુસાર ‘હોસ્ટેલના બેઝમેન્ટમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. જોત-જોતામાં આગે ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોરને લપેટમાં લઈ લીધા હતા. પરંતુ ફાયર બ્રિગેડ સમયસર ઘટના સ્થળે પહોંચી જતા મોટી હોનારત ટળી ગઈ હતી.’