આવતીકાલથી શરૂ થઇ રહેલા આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ પહેલા મેડમ તુસાદ મ્યુઝિયમ દ્વારા તૈયાર કરાયેલું ભારતીય કેપ્ટન વિરાટ કોહલીનું મીણનું પુતળું અહીંના લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ખુલ્લું મુકાયું હતું. મેડમ તુસાદ મ્યુઝિયમ દ્વારા તૈયાર કરાયેલા આ મીણના પુતળામાં કોહલીનો ખૂંખાર લૂક જાવા મળે છે કે જે વિશ્વના કોઇ પણ ઝડપી બોલરને ધ્રુજાવી શકે તેવું છે.
ગુરૂવારે અહીં યજમાન ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા સામેની મેચથી વર્લ્ડ કપનો પ્રારંભ થશે અને વિરાટની આગેવાની હેઠળની ટીમ ઇન્ડિયા આવતા અઠવાડિયે દક્ષિણ આફ્રિકા સામે રમીને પોતાના અભિયાનની શરૂઆત કરશે. લંડનના પ્રસિદ્ધ આકર્ષણ ઍવા મેડમ તુસાદ મ્યુઝિયમે ખાસ વર્લ્ડ કપની સ્પર્ધાને ધ્યાને લઇને ભારતીય ક્રિકેટ કેપ્ટનનું આ મીણનું પુતળું લોર્ડસ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે બુધવારે ખુલ્લું મુકયું હતું.