ભારતની યુવા શૂટર મનુ ભાકર બુધવારે અહીં આઇઍસઍસઍફ વર્લ્ડ કપની મહિલાઓની 10 મીટર ઍર પિસ્તોલ ઇવેન્ટમાં ચોથા સ્થાને રહેતા સ્હેજ માટે મેડલ જીતતા રહી ગઇ હતી પણ તેણે શૂટિંગમાં ભારત માટે ૭મો ઓલિમ્પિક્સ ક્વોટા મેળવી લીધો હતો. 17 વર્ષની મનુઍ ફાઇનલમાં 201.0 પોઇન્ટના સ્કોર સાથે ઓલિમ્પિક્સ ક્વોટા જીત્યો હતો.
ટોચની વૈશ્વિક સ્પર્ધાઓમાં ઘણાં મેડલ જીતી ચુકેલી મનુ ક્વોલિફિકેશનમાં 582 પોઇન્ટ સાથે ત્રીજા સ્થાને રહી હતી. સોમવારે મનુને નિરાશા મળી હતી, જ્યારે ટોચના સ્થાને રહી તે દરમિયાન તેની પિસ્તોલ ખરાબ થઇ હતી અને તેણે પાંચમા સ્થાનથી સંતોષ માનવો પડ્યો હતો. મહિલાઓની 10 મીટર પિસ્તોલ ઇવેન્ટમાં ભારતનો આ પહેલો ક્વોટા છે. સૌરભ ચૌઘરી અને અભિષેક વર્માઍ ક્રમશઃ દિલ્હી અને બૈજિંગ વર્લ્ડ કપમાં પુરૂષોની 10 મીટર ઍર પિસ્તોલ ઇવેન્ટમાં ઓલિમ્પિક્સ ક્વોટા મેળવ્યા હતા.