ભેસ્તાન વિસ્તારમાં પાણીનું કનેક્શન કાપવા મુદ્દે કોંગ્રેસના કાઉન્સિલર અને ભાજપના કાર્યકરો વચ્ચે ઝપાઝપી સર્જાઈ હતી. પાલિકા અને પોલીસના કર્મચારીઓની હાજરીમાં થયેલી બબાલનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં કથિત રીતે વડોદૃજી-આવ-ઉન વોર્ડના કાઉન્સિલર સતિષ પટેલને પણ માર પડ્યો છે જો કે આ મુદ્દે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરવામાં આવતાં તેનો મોબાઈલ નંબર બંધ આવતો હતો.
અધિકારીઓ સાથે પણ બબાલ થઈ
ભેસ્તાનના ભૈરવ નગર ખાતે સર્વિસ સ્ટેશનના પાણીનું કનેકશન ગેરકાયદે હોવાની ફરિયાદ કાઉન્સિલર સતિષ પટેલ દ્વારા કરવામાં આવી હોવાનું ધ્યાનમાં આવતાં સર્વિસ સ્ટેશનના માલિક અને ભાજપના કાર્યકર વચ્ચે ઝઘડો સર્જાયો હતો. બાદમાં પાલિકાના અધિકારીઓને પણ ધમકી આપવામાં આવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. સમગ્ર બબાલ બાદ પાણીનું કનેકશન કાપી નાખવામાં આવ્યું હતું.