અહીંના ઓવલ મેદાન પર પાકિસ્તાને પ્રથમ દાવ લઇને મહંમદ હાફિઝ, બાબર આઝમ અને કેપ્ટન સરફરાઝ અહેમદની અર્ધસદીઓની મદદથી મુકેલા ૩૪૯ રનના લક્ષ્યાંક સામે યજમાન ઇંગ્લેન્ડ જો રૂટ અને જાસ બટલરની સદી છતાં 14 રન છેટું રહી જતાં પાકિસ્તાને રાહતજનક વિજય મેળવ્યો હતો.
રૂટ અને બટલરની સદી છતાં ઇંગ્લેન્ડનો પનો 14 રન ટૂંકો પડ્યો
349 રનના લક્ષ્યાંક સામે ઇંગ્લેન્ડની શરૂઆત ખરાબ રહી હતી અને બોર્ડ પર માત્ર 12 રન હતા ત્યારે જેસન રોય આઉટ થયો હતો. તે પછી બેયરસ્ટો અને રૂટે મળીને 48 રનની ભાગીદારી કરી હતી, અને 60 રનના સ્કોર બેયરસ્ટો આઉટ થયો હતો. તે પછી કેપ્ટન મોર્ગન પણ માત્ર 9 રન કરીને અને સ્ટોક્સ 13 રન કરીને આઉટ થતાં ઇંગ્લેન્ડ પર મુશ્કેલીના વાદળ ધેરાયા હતા. જા કે અહીંથી જ જો રૂટ અને બટલરે મળીને 130 રનની ભાગીદારી કરીને પાકિસ્તાનીઓને ચિંતિત કર્યા હતા. રૂટ 107 રન કરીને આઉટ થયો તે પછી બટલરે ફટકાબાજી શરૂ કરીને પોતાની સદી પુરી કરવા સાથે ઇંગ્લેન્ડને આગળ ધપાવ્યું હતું, પણ સદી પુરી કરી તેની સાથે જ તે આઉટ થયો અને ત્યાંથી ઇંગ્લેન્ડની સંભાવના મરી પરવારી હતી અને અંતે તેઓ 9 વિકેટે 334 રન કરી શકતાં પાકિસ્તાન 14 રને જીત્યું હતું.
હાફિઝ અને સરફરાઝ વચ્ચે 80 રનની ચોથી વિકેટની ભાગીદારી થઇ
આ પહેલા ઇંગ્લીશ કેપ્ટન ઇયોન મોર્ગને ટોસ જીતીને પહેલા ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કર્યા પછી પાકિસ્તાનને ઇમામ ઉલ હક અને ફખર ઝમાને 82 રનની ભાગીદારી કરીને સારી શરૂઆત અપાવી હતી. તે પછી મોઇન અલીઍ ટુંકા ગાળામાં બંને ઓપનરને પેવેલિયન ભેગા કરતાં તેમનો સ્કોર 111 પર 2 વિકેટ થયો હતો. જો કે તે પછી બાબર અને હાફિઝે મળીને ત્રીજી વિકેટની ભાગીદારીમાં ઝડપી 88 રન ઉમેર્યા હતા. બાબર 66 બોલમાં 63 રન કરીને આઉટ થયો તે પછી હાફિઝ અને સરફરાઝ વચ્ચે 80 રનની ચોથી વિકેટની ભાગીદારી થઇ હતી. હાફિઝ 62 બોલમાં 84 રનની ઇનિંગ રમીને આઉટ થયો હતો. તે પછી સરફરાઝે પોતાની અર્ધસદી પુરી કરી હતી. 50 ઓવરના અંતે પાકિસ્તાને 8 વિકેટે 348 રન કર્યા હતા. ઇંગ્લેન્ડ તરફથી મોઇન અલી અને ક્રિસ વોકસે 3-3 જયારે માર્ક વુડે 2 વિકેટ લીધી હતી. પહેલી મેચનો હીરો જોફ્રા આર્ચર 10 ઓવરમાં 79 રન આપીને ઍકપણ વિકેટ મેળવી શક્યો નહોતો.