બાંગ્લાદેશની ટીમ નવેમ્બરમાં ભારતના પોતાના સત્તાવાર પ્રવાસે આવીને 3 ટી-20 અને બે ટેસ્ટની સિરીઝ રમશે અને આ તેનો ભારતનો પ્રથમ પ્રવાસ હશે. બીસીસીઆઇ દ્વારા સોમવારે પાંચ ટેસ્ટ, 9 વનડે અને 12 ટી-20ને સમાવતી સમગ્ર ઘરેલું સિઝનના કાર્યક્રમની જાહેરાત કરી હતી. જેમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ હેઠળ રમાનારી ટેસ્ટમાં ઓક્ટોબરમાં દક્ષિણ આફ્રિકા સામેની ૩ ટેસ્ટ અને બે ટેસ્ટ બાંગ્લાદેશ સામે હશે. જે વર્લ્ડ કપ પછી શરૂ થશે.
આ સિઝનની શરૂઆત 15 સપ્ટેમ્બરે દક્ષિણ આફ્રિકા 3 ટેસ્ટ અને ઍટલી જ ટી-20 રમવા આવે તેની સાથે થશે. નોંધપાત્ર વાત ઍ છે કે આ આખી સિઝનમાં ભારતીય ટીમ ઍકપણ ફુલ સિરીઝ કે જેમાં ટેસ્ટ ટી-20 અને વનડે હોય તે નહીં રમે. તેનો મતલબ ઍ છે કે દક્ષિણ આફ્રિકા 3 વનડે રમવા માટે માર્ચ 2020માં ફરી ભારત આવશે.
બાંગ્લાદેશે ભારતનો પહેલો પ્રવાસ 2017માં કર્યો હતો, જ્યારે તેઓ ભારતીય ટીમ સામે હૈદરાબાદમાં ઍકમાત્ર ટેસ્ટ રમવા આવ્યા હતા. બાંગ્લાદેશ નવેમ્બરના છેલ્લા અઠવાડિયામાં રવાના થશે તે પછી ટીમ ઇન્ડિયા વેસ્ટઇન્ડિઝ સામે 6 ડિસેમ્બરથી 3 ટી-20 અને ઍટલી જ વનડે રમશે. તે પછીના મહિને 5થી 10 જાન્યુઆરી દરમિયાન ઝિમ્બાબ્વે ભારતના પ્રવાસે આવીને 3 ટી-20 રમશે. તેના ચાર દિવસ પછી ભારતીય ટીમની ઓસ્ટ્રેલિયા સામેની 3 વનડેની પહેલી મેચ રમાશે.