ઑસ્ટ્રેલિયાના દિગ્ગજ બોલર ગ્લેન મૈકગ્રાએ ભારતીય ટીમના ઓલરાઉન્ડર હાર્કિદ પંડ્યા સંબંધે એક મોટું નિવેદન આપતા કહ્યું હતું કે ઇંગ્લેન્ડમા શરૂ થયેલા આઇસીસી વર્લ્ડ કપમાં હાર્દિક પંડ્યા ભારત માટે એવી જ ભૂમિકા નિભાવી શકે છે જેવી 2011ના વર્લ્ડ કપમાં યુવરાજ સિંહે ભારતીય ટીમ માટે ભજવી હતી.
યુવરાજે 2011મા બોલ અને બેટ બંને વડે યોગદાન આપીને ટીમ ઇન્ડિયાને બીજીવાર વર્લ્ડ ચેમ્પિયન બનાવામાં અગત્યની ભૂમિકા ભજવી હતી અને તે 2011ના વર્લ્ડ કપમાં મેન ઓફ ધ સીરીઝ જાહેર થયો હતો.
ટીમ ઇન્ડિયાને 2019ના વર્લ્ડ કપમાં યુવરાજ સિંહની ખોટ સાલશે ખરી એવા સવાલના જવાબમાં મૈકગ્રા એ કહ્યું હતું કે હાર્દિક પંડ્યા એ ભૂમિકા નિભાવી શકે છે. દિનેશ કાર્તિક પણ સારો ફિનિશર છે. મને લાગે છે કે ભારત પાાસે એવી ટીમ છે જે સારું પ્રદર્શન કરી શકે છે.
મેકગ્રાએ ભારતીય ટીમના બોલિંગ આક્રમણ અંગે કહ્યું હતું કે ભારતીય ટીમ પાસે જસપ્રીત બુમરાહના રૂપમાં વનડે ક્રિકેટનો સર્વશ્રેષ્ઠ બોલર છે જે ડેથ ઓવરમાં શ્રેષ્ઠ બોલિંગ કરે છે. આમ તો ટીમ ઇન્ડિયા પાસે એવી ટીમ છે જે વર્લ્ડ કપમાં સારું પ્રદર્શન કરી શકે છે. હવે એ જોવાનું રહેશે કે ઇંગ્લેન્ડની સ્થિતિમાં તેઓ કેવું રમે છે.