ચોકબજારના તાપી નદી પરના વોક વે બ્રીજ પરથી શનિવારે સવારે એક વૃધ્ધે તાપીમાં છલાંગ મારી દીધી હતી. રાહદારીની નજર સામે તાપીમાં કૂદકો મરનાર વૃદ્ધને બચાવવા તાત્કાલિક ફાયરને જાણ કરાઈ હતી. ઘટનાની જાણ બાદ દોડી આવેલા ફાયરના જવાનોએ તાપી નદીના પેટાળમાં રેસ્કયુ કરી વૃદ્ધને બહાર કાઢ્યો હતો. ચોકબજાર રેતી કિનારે લવાયેલા વૃદ્ધને 108ના કર્મચારીએ કાર્ડિયાક મસાજ આપ્યા બાદ પણ જીવ ન બચાવી શકાતા પોલીસને જાણ કરાઈ હતી.
રાહદારીએ જણાવ્યું હતું કે, ઘટના લગભગ સવારે 7:45 વાગ્યા આસપાસ હતી.એક વૃદ્ધ ચોકબજારના વોક વે બ્રીજના ચોથા નંબરના ડોમ નીચે એક થેલી મૂકી તાપીમાં મોતની છલાંગ મારી હતી. નજરે જોયા બાદ વૃદ્ધને બચાવવા તેઓ દોડ્યા હતા. જોકે કોઈ મદદ મળે તે પહેલાં વૃદ્ધ નદીમાં કૂદી પડ્યાં હતાં. જેને લઈ તેમણે તાત્કાલિક ફાયરને જાણ કરી બોલાવી લીધી હતી. ત્યારબાદ બ્રીજ પરથી મળી આવેલી વૃદ્ધની થેલી ખોલતા તેમાંથી ચપલ , પાણીનો બાટલો, લાકડી, અને એક પડીકું મળી આવ્યું હતું. વયોવૃદ્ધના આપઘાતના પ્રયાસને લઈ અનેક પ્રશ્નો ઉભા થયા હતા. તાપી નદીના પાણીમાં નજર સામે ગરકાવ થઈ રહેલા વૃદ્ધને તેઓ બચાવવા માટે લોકોને મદદની પુકાર લગાવતા હતાં.
ફાયર વિભાગે જણાવ્યું હતું કે, ઘટના સ્થળે ગયા બાદ તાત્કાલિક નદીમાંથી રેસ્કયુ કરી સફેદ કપડાં અને સફેદ દાઢીવાળા વૃદ્ધને બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ તાત્કાલિક સારવાર માટે 108ને કામગીરી સોંપાઇ હતી. EMTએ કાર્ડિયાક મસાજ આપી વૃદ્ધને બચાવવાનો પ્રયાસ પણ કર્યો હતો.આખરે વૃદ્ધના મોત બાદ પોલીસને જાણ કરતા તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં. હાલ અજાણ્યા વૃદ્ધની ઓળખ દિશામાં પોલીસ કામગીરી કરી રહી છે.