ફરી એકવખત શિક્ષણ જગત શર્મશાર થાય તેવી ઘટના પ્રકાશમાં આવી છે. સુરતના ઉમરવાડાની સરકારી શાળામાં એક શિક્ષકે તેની દિકરી સમાન ધો.4માં ભણતી વિદ્યાર્થિની સાથે અડપલા કર્યા છે. ત્યાર બાદ લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. સુરતના ઉમરવાડા વિસ્તારમાં આવેલી સરકારી શાળા નંબર 190ની બહાર લોકોએ પોતાનો રોષ પ્રગટ કર્યો હતો.
લોકો આરોપી શિક્ષક જીતુને પકડીને બરાબરનો મેથીપાક આપવા માંગતા હતા. ત્યાં સુધી કે લોકોએ પોલીસના કબજામાં રહેલા આરોપી શિક્ષકને જે ગાડીમાં બેસાડયો તે ગાડી પર પથ્થરમારો કરવાની પણ હિંમત કરી નાખી હતી. જેમાં એક નાની બાળકીને માથામાં પથ્થર વાગી ગયો હતો. જેના કારણે પોલીસને હળવો લાઠીચાર્જ કરીને પરિસ્થિતી થાળે પાડવી પડી હતી. આ સમગ્ર ઘટના સ્કુલો ખુલી ત્યારે પ્રકાશમાં આવી હતી. બાળકીએ સ્કુલે જવાની ના પાડી ત્યારે માતાપિતાએ પૂછ્યુ ત્યારે ખ્યાલ આવ્યો કે શાળાનો શિક્ષક જીતુ તેની સાથે ખરાબ કૃત્ય કરતો હતો. જે બાદ વાલી શાળાએ પહોંચ્યા હતા અને વાતની જાણ અન્ય લોકોને થતા લોકોએ હોબાળો કર્યો હતો.

તો ઘટનાની ગંભીરતાને જોઇને સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પ્રમુખ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. હાલમાં સલાબતપુરા પોલીસે આરોપી શિક્ષક સામે પોક્સોની કલમ લગાવીને કાયદેસરની કાર્યવાહી કરી છે. જો કે આ ઘટનાને લઇને હેવાન શિક્ષક સામે લોકોમાં ખૂબ જ રોષ છે.