અંડર-19 વર્લ્ડકપ, 2007 વર્લ્ડ ટી-20 અને 2011નો વનડે વર્લ્ડ કપમાં ભારતીય ટીમના વિજયનો હીરો રહેલા યુવરાજે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ઘણી શ્રેષ્ઠતમ ઇનિંગ રમી હતી. જા કે અહીં જે ઇનિંગ્સ અંગે વાત કરવામાં આવી છે, તે તમામ ઇનિંગ્સ વડે યુવરાજની આખી કેરિયર સમજી શકાય તેવી છે.
ચેમ્પિયન્સ ટ્રોફી 2000 : ઓસ્ટ્રેલિયા સામે 84 રનની ઇનિંગ
7મી ઓક્ટોબર 2000ના દિવસે યુવરાજે ચેમ્પિયન્સ ટ્રોફીમાં કેન્યા સામેની મેચથી વનડે ડેબ્યુ કર્યુ હતું, જો કે ઍ મેચમાં બેટિંગની તક ન મળી અને તે પછીની ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં તક મળી. તે જ્યારે બેટિંગમાં આવ્યો ત્યારે ભારતીય ટીમનો સ્કોર 3 વિકેટે 90 રન હતો. તે સમયે યુવરાજે ઓસ્ટ્રેલિયાના બહું વખણાતા બોલિંગ આક્રમણ સામે જવાબદારી ભરી ઇનિંગ રમીને 80 બોલમાં 84 રન કર્યા હતા અને ટીમ ઇન્ડિયા આ મેચ 16 રનથી જીત્યું છે.
નેટવેસ્ટ સિરીઝ 2002 : ઇંગ્લેન્ડ સામે 69 રનની ઇનિંગ
ભારતીય ટીમના કેપ્ટન સૌરવ ગાંગુલીઍ લોર્ડ્સની બાલ્કનીમાં ઊભા રહીને ટી-શર્ટ લહેરાવી તે કોઇ ક્રિકેટ ચાહક ભુલ્યું નહીં હોય, તેને આવું કરવાની તક યુવરાજ સિંહ અને મહંમદ કૈફે આપી હતી. 2002ની નેટવેસ્ટ સિરીઝની ફાઇનલમાં 325 રનના લક્ષ્યાંક સામે ભારતીય ટીમે 146 રનમા 5 વિકેટ ગુમાવી દીધી હતી ત્યારે યુવરાજે ફરી ઍકવાર જવાબદારી ઉઠાવી 69 રનની ઇનિંગ રમીને કૈફ સાથે 121 રનની ભાગીદારી કરી ટીમને વિજય નજીક પહોંચાડી હતી. આ મેચ ભારતીય ટીમ 2 વિકેટે જીતી હતી. યુવરાજની ઍ ઇનિંગ પણ ખાસ ગણાય છે.
વર્લ્ડ ટી-20 2007 : ઇંગ્લેન્ડ સામે 58 રનની તોફાની ઇનિંગ
ઇતિહાસના પાના પર આ મેચ સૌથી ઉપર છે. યુવરાજે આ મેચમાં જ સ્ટુઅર્ટ બ્રોડની ઍક ઓવરમાં 6 છગ્ગા ઝીંકી દઇને આ સિદ્ધિ મેળવનારો પ્રથમ ખેલાડી બન્યો હતો. આ મેચમાં જ યુવરાજે 12 બોલમાં અર્ધસદી ફટકારીને સૌથી ઝડપી અર્ધસદીનો રેકોર્ડ કર્યો હતો, જે આજેપણ અકબંધ છે. ઍન્ડ્રુ ફિલન્ટોફ સાથે આગલી ઓવરમાં થયેલા ઘર્ષણનો ભોગ ઍ મેચમાં બ્રોડ બન્યો હતો અને યુવરાજે તેની ધોલાઇ કરી નાંખીને 58 રન કરીને ટીમ ઇન્ડિયાને જીતાડી હતી. યુવરાજ સિંહ ટી-20 ઇન્ટરનેશનલમાં 1 ઓવરમાં 6 છગ્ગા ફટકારનારો ઍકમાત્ર બેટ્સમેન છે અને તેની આ ઇનિંગ ઇતિહાસના પાના પર અમર બની ગઇ હતી.
વર્લ્ડ ટી-20 2007 : ઓસ્ટ્રેલિયા સામે 70 રનની ઇનિંગ
ઇંગ્લેન્ડ સામે 6 છગ્ગાવાળી ઇનિંગ રમ્યા પછી યુવરાજે ઓસ્ટ્રેલિયા સામે યાદગાર ઇનિંગ રમી હતી. તેણે માત્ર 30 બોલમાં 5 છગ્ગા અને 5 ચોગ્ગાની મદદથી 70 રનની ઇનિંગ રમી અને તેની ઍ ઇનિંગને કારણે ભારતીય ટીમે 20 ઓવરમાં 188 રન કર્યા અને તેના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 15 રન છેટી રહી ગઇ હતી. ઍ મેચ જીતીને ભારતીય ટીમ ફાઇનલમાં પહોંચી હતી અને પાકિસ્તાનને હરાવીને વર્લ્ડ ટી-20 ચેમ્પિયન બની હતી. ભારતીય ટીમને ચેમ્પિયન બનાવવામાં યુવરાજનો સૌથી મોટો ફાળો રહ્યો હતો.
પ્રથમ ટેસ્ટ ચેન્નઇ 2008 : ઇંગ્લેન્ડ સામે 85 નોટઆઉટ
મુંબઇમાં થયેલા હુમલા પછી ચેન્નઇમાં લાગણીઓ ઉછાળા મારી રહી હતી. સ્વદેશ પરત ફરેલી ઇંગ્લેન્ડની ટીમ ટેસ્ટ રમવા માટે પાછી ફરી હતી. ઍ ટેસ્ટમાં ઇંગ્લેન્ડે ભારતીય ટીમ સામે 387 રનનો મુશ્કેલ કહી શકાય તેવો લક્ષ્યાંક મુક્યો હતો. સચિન તેંદુલકર અને યુવરાજ સિંહે યાદગાર ઇનિંગ રમીને ભારતીય ટીમને જીતાડી હતી. સચિને નોટઆઉટ 103 જ્યારે યુવરાજે નોટઆઉટ 85 રનની ઇનિંગ રમી હતી. બંનેઍ 163 રનની નોટઆઉટ ભાગીદારી કરીને ભારતીય ટીમને જીતાડી હતી અને આ ટેસ્ટ વિજયને મુંબઇ હુમલાના પિડીતોને સમર્પિત કરવામાં આવ્યો હતો.
વર્લ્ડ કપ 2011 : ઓસ્ટ્રેલિયા સામે ક્વાર્ટર ફાઇનલમાં નોટઆઉટ 57 રન
યુવરાજ સિંહની ઍ ઇનિંગની જેટલી પ્રશંસા કરવામાં આવે તેટલી ઓછી છે. વર્લ્ડ કપની બીજી કવાર્ટર ફાઇનલમાં યુવરાજે નોટઆઉટ 57 રનની ઇનિંગ રમીને ભારતીય ટીમને જીતાડી સેમી ફાઇનલમાં પહોંચાડી હતી. તે સમયે યુવરાજ કેન્સરગ્રસ્ત હતો પણ તે વાત જાહેર થઇ નહોતી. 260 રનના લક્ષ્યાંક સામે યુવરાજે રૈના સાથે મળીને ભારતીય ટીમને 5 વિકેટે વિજય અપાવ્યો હતો. આ મેચ જીત્યા પછી યુવરાજ ઘણો લાગણીશીલ બન્યો હતો અને વિજયી ચોગ્ગો ફટકાર્યા પછી પીચ પર જ ઘુંટણીયે બેસીને તેણે વિજયની ખુશાલી વ્યક્ત કરી હતી.