ડાબોડી ઓપનર શિખર ધવનના અંગુઠામાં હેર લાઇન ફ્રેક્ચર થવાના કારણે ભારતીય ટીમના વર્લ્ડ કપ અભિયાનને મોટો ફટકો પડ્યો છે, ત્યારે હાલ તેના રિપ્લેસમેન્ટ અંગે કોઇ ચર્ચા ચાલતી નથી પણ જો તેનું રિપ્લેસમેન્ટ કરવામાં આવે તો ભારતીય ટીમના માજી કેપ્ટન અને દિગ્ગજ ક્રિકેટર સુનિલ ગાવસ્કર તેમજ ઇંગ્લેન્ડના માજી બેટ્સમેન કેવિન પીટરસને ઋષભ પંતનું જ્યારે ગૌતમ ગંભીરે અંબાતી રાયડુનું નામ આગળ ધર્યુ છે. આ દરમિયાન ઍક ઍવી ચર્ચા પણ ચાલી રહી છે કે ભારતીય ટીમ મેનેજમેન્ટ દ્વારા તેના માટે શ્રેયસ ઐય્યરનું નામ વિચારણા હેઠળ લેવા જણાવ્યું છે.
ગાવસ્કરને આ અંગે સવાલ કરાયો કે જો ધવન વર્લ્ડ કપમાંથી આઉટ થઇ જાય તો તમે તેના સ્થાને કોને સમાવવા ઇચ્છશો ત્યારે ગાવસ્કરે કહ્યું હતું કે ઍ ઋષભ પંત હોવો જોઇઍ. જેણે આઇપીઍલમાં જોરદાર ફોર્મ બતાવ્યું હતુ અને ટીમમાં તે સ્થાન મેળવવા માટેની લાયકાત ધરાવે છે. ગાવસ્કરે સાથે ઍવું પણ કહ્યું હતું કે પણ જો શિખર અને ડોક્ટર ઍવું કહેતા હોય કે તે આગામી 18 દિવસમાં સાજો થઇ જશે, તો હું ત્યાં સુધી તેની રાહ જોઇશ, તે ઇંગ્લેન્ડ સામેની 30મી જૂનની મેચમાં પણ ન રમી શકે તો પણ હું તેની રાહ જોવાની વાત કરીશ. તેના સ્થાને પંતના સમાવેશની વકીલાત પીટરસને પણ કરી હતી.
જો કે તેમનાથી ઍકદમ વિરુદ્ધની વાત કરતાં ગંભીરે કહ્યું હતું કે જો તેના સ્થાને રાયડુની પસંદગી નહી થાય તો તેની કેરિયર પુરી થઇ જશે. વનડેમાં 45ની ઍવરેજ ધરાવવા છતાં તે વર્લ્ડ કપ ટીમમાં નથી ઍ વાત જ નિરાશાજનક છે ઍવું ગંભીરે સ્ટાર સ્પોર્ટ્સ પર કહ્યું હતું. જો કે આ તરફ ટીમ મેનેજમેન્ટે ચોથા ક્રમના સ્પેશિયાલિસ્ટ શ્રેયસ ઐય્યરનું નામ વિચારણા હેઠળ લેવાનું જણાવ્યું હોવાની ચર્ચા ચાલી રહી છે.