વર્લ્ડ કપમાં શિખર ધવનના કવર તરીકે ઝઢપથી ટીમ સાથે જોડાવાનું કહેવાતા વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંત ઇંગ્લેન્ડ જવા રવાના થઇ ગયો હોવાના અહેવાલ છે. ધવન સાજો થઇ જાય ત્યાં સુધી રાહ જોવા ભારતીય ટીમ મેનેજમેન્ટ તૈયાર છે ત્યારે વર્લ્ડ કપની ટીમમાંથી છેલ્લી ઘડીઍ બહાર રખાયેલા ઋષભ પંતને તેના રિપ્લેસમેન્ટ તરીકે નહીં પણ તેના કવર તરીકે વેળાસર ઇંગ્લેન્ડ બોલાવાયો હતો.
ગઇકાલે જ ઍવું કહેવામાં આવી રહ્યું હતું કે પંત આગામી 48 કલાકમાં લંડન જતી ફલાઇટમાં રવાના થઇ શકે છે. અને તે આજે ઇંગ્લેન્ડ જવા રવાના થયો હોવાના અહેવાલ છે, જો કે પંતના નામની કોઇ સત્તવાર જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી, તેની પાછળનું કારણ એ છે કે તેમને એવી આશા છે કે ધવન આવતા અઠવાડિયે ફીટ થઇ જશે. સૂત્રો એવું કહે છે કે કવર તરીકે રવાના થયેલો પંત ન્યુઝીલેન્ડ સામેની મેચમાં તો નહીં રમી શકે પણ રવિવારે પાકિસ્તાન સામેની મેચમાં તે રમે તેવી સંભાવના વ્યક્ત થઇ રહી છે. જો કે આઇસીસી પાસેથી તેની પરવાનગી મળવી જરૂરી છે. મોટાભાગે અન્ય ખેલાડીને રિપ્લેસમેન્ટ તરીકે જ ટીમમાં સામેલ કરી શકાય છે, કવર તરીકે કોઇ ખેલાડીનો સમાવેશ થઇ શકતો નથી.