આર્થીક મંદીના કારણે તણાવગ્રસ્ત વરાછાના હીરાના કારખાનેદારને તેના બંધ પડેલા કારખાનામાં જ ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. મંદીને લીધે કારખાનાને તાળુ મારી દેવું પડયું પણ આર્થિક ભીંસ ઓછી થઇ નહોતી.

સ્મીમેર હોસ્પિટલથી પ્રાપ્ત માહિતી મુજબ વરાછા વિસ્તારમાં હીરાબાગ પાસે તીર્થ એપાર્ટમેન્ટમાં રહેતા ૪૪ વર્ષીય જયસુખભાઇ નાનુભાઇ ગોળકીયા(મૂળ રહે- ઓથા, તા-મહુવા, જી-ભાવનગર) મોહનની ચાલમાં ખોડલકૃપા એપાર્ટમેન્ટમાં હીરાનું કારખાનું ચલાવતા હતા. હાલની પરિસ્થિતિમાં ચાલી રહેલી મંદીના કારણે તેમને કારખાનાને તાળા મારી દેવા પડયા હતાં. પણ કારખાનું બંધ કરવાથી મુસિબત પુરી થવાની ન હતી. ઘર ચલાવવા સાથે કારીગરોના બાકી પગાર પણ ચુકવવાના હતા.
આ બધા આર્થીક બોજથી કંટાળીને તણાવમાં તેમણે મંગળવારે પોતાના બંધ કારખાનામાં ફાંસો ખાઇ જીવન ટૂંકાવી દીધુ હતું. જયસુખભાઇ ઘરે ન પહોંચતા પરિવારજનોએ શોધખોળ આદરી હતી અને તેમના બંધ કારખાનામાંથી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતાં. તેમના મોતના પગલે તેમની બે દીકરી અને પત્ની ચોધાર આંસુએ રડી પડતા વાતાવરણમાં ગમગીની છવાઇ ગઇ હતી. બનાવ અંગે પોલીસ તપાસ કરી રહી છે.