બાંગ્લાદેશની ટીમ ઓસ્ટ્રેલિયા સામે ગુરૂવારે રમાયેલી આઇસીસી વર્લ્ડ કપ 2019ની મેચમાં ભલે હારી ગઇ હોય પણ શાકિબ અલ હસને આ મેચમાં પણ એક ઇતિહાસ રચી દીધો હતો. 48 રને હારેલી આ મેચમાં શાકિબ અલ હસન 41 બોલમાં 41 રન કરીને આઉટ થયો હતો. જો શાકિબે અર્ધ સદી ફટકારી હોત તો તે બાંગ્લાદેશ વતી વર્લ્ડ કપની સતત પાંચ મેચમાં 50 કે તેનાથી વધુ રન કરનારો પ્રથમ ખેલાડી બન્યો હોત. જો કે એ સિદ્ઘિ તે રચતા રહી ગયો પણ તેણે બીજી સિદ્ધિ તો મેળવી જ લીધી હતી.
શાકિબે 41 રન કર્યા તેની સાથે જ તે બાંગ્લાદેશ વતી કોઇ એક ફોર્મેટમાં એક જ ટૂર્નામેન્ટ કે સિરીઝમાં 400 રન કરનારો પ્રથમ ખેલાડી બન્યો હતો. શાકિબ આ વર્લ્ડ કપમાં જોરદાર ફોર્મમાં છે અને તેણે બે સદી અને બે અર્ધ સદીની મદદથી ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી 425 રન બનાવ્યા છે. શાકિબે પાંચ મેચમાં 106. 25ની એવરેજ અને 103.41ની સ્ટ્રાઇક રેટથી આ રન બનાવ્યા છે. આ ઉપરાંત તેણે પાંચ મેચમાં 5 વિકેટ પણ ઉપાડી છે.