ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી જ્યારે પણ કોઇ મેચ રમવા ઉતરે ત્યારે ત્યાં કોઇને કોઇ રેકોર્ડ તેની રાહ જોતો હોય છે. શનિવારે જ્યારે તે અફઘાનિસ્તાન સામે મેચ રમવા માટે ઉતરશે ત્યારે આ મેચમાં સૌથી ઝડપી 20 હજાર ઇન્ટરનેશનલ રન પુરા કરવાનો રેકોર્ડ તેની રાહ જોતો હશે. જો વિરાટ અફઘાનિસ્તાન સામે 104 રન બનાવી લેશે તો તે 20 હજાર ઇન્ટરનેશનલ રન પુરા કરી લેશે અને સાથએ જ તે સૌથી ઝડપી આ આંકડો પાર કરનારો ખેલાડી બનશે. હાલ 20,000 ઇન્ટરનેશનલ રન સૌથી ઝડપી પુરા કરવાનો રેકોર્ડ સચિન તેંદુલકર અને બ્રાયન લારા સંયુક્તપણે ધરાવે છે.
કોહલીના નામે 131 ટેસ્ટમાં 6613 રન, 222 વનડેમાં 11020 રન અને 62 ટી-20માં 2263 રન મળીને કુલ 415 ઇનિંગમાં 19896 રન બનાવી ચુક્યો છે અને તેને 20 હજાર રન પુરા કરવામાં હવે માત્ર 104 રન ખુટે છે. જો તે અફઘાનિસ્તાન સામે આ રન બનાવી લેશે તો 416 ઇનિંગમાં જ તે આ આંકડો પાર કરી લેશે, સચિન અને લારાએ 453 ઇનિંગમાં 20 હજાર રન પુરા કર્યા હતા, તેમના પછી રિકી પોન્ટીંગે 468 ઇનિંગમાં આ આંકડો સ્પર્શ્યો હતો. જો વિરાટ અફઘાનિસ્તાન સામે 104 રન ન કરી શકે તો પણ તેની પાસે હજુ ઘણો સમય છે અને એ સંભવ છે કે તે આ વર્લ્ડ કપ દરમિયાન એ આંકડો પાર કરી લેશે અને તો પણ તે સૌથી ઝડપી 20 હજાર ઇન્ટરનેશનલ રન પુરા કરવાનો રેકોર્ડ બનાવી લેશે.