સમગ્ર વિશ્વમાં આજે પાંચમા આંતરરાષ્ટ્રિય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારખંડના રાંચીમાં 40 હજાર લોકોની સાથે યોગ કર્યા હતા. એવામાં બીજી તરફ યોગ દિવસના વાતાવરણને ડોહળાવવા માટેની એક ઘટના પર પ્રકાશ પડ્યો છે. વડાપ્રધાન મોદીને હત્યાની ધમકી આપવામાં આવી છે. આ ધમકી 500 રૂપિયાની નોટ પર લખીને મોકલવામાં આવી છે.
થ્રિશૂરના ગુરુવાયૂર મંદિર દેવાસમ ઓફિસને એક કવરમાં એક 500 રૂપિયાની નોટ મળી હતી. જેમાં ધમકીભર્યું લખાણ હતું કે, ‘વડાપ્રધાન મોદીની ગળું કાપીને હત્યા કરી દેવામાં આવશે.’
આ ધમકીભર્યું લખાણ મલયાલમ ભાષામાં લખ્યું હતું. આ ધમકી ભરી નોટ સામે આવ્યા બાદથી ગુપ્ત અને સુરક્ષા એજન્સીઓમાં દોડાદોડી વધી ગઈ છે. આ કવર ક્યાંથી આવ્યું અને કોણે મોકલાવ્યું છે તે અંગે સુરક્ષા એજન્સીઓ તપાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે મોદી માલદીવ અને શ્રીલંકાના પ્રવાસે ગયા તે પહેલા આ મંદિરમાં ગયા હતા.