વર્લ્ડ કપની 21મી મેચમાં ટોસ જીતીને પહેલા દાવ લેવા ઉતરેલી શ્રીલંકાની ટીમ ખરાબ શરૂઆત પછી અવિષ્કા ફર્નાન્ડો, કુસલ મેન્ડિસ અને ઍન્જેલો મેથ્યુઝની ઇનિંગને પગલે 9 વિકેટે 232 રન બનાવી મુકેલા 233 રનના લક્ષ્યાંક સામે મેન ઓફ ધ મેચ લસિથ મલિંગાની આગેવાનીમાં શ્રીલંકન બોલરોએ કરેલી ઉમદા બોલિંગને પ્રતાપે ઇંગ્લેન્ડ 212 રને ઓલઆઉટ થતાં શ્રીલંકાનો 20 રને વિજય થયો હતો. બેન સ્ટોક્સે ઇંગ્લેન્ડને જીતાડવા ઘણાં પ્રયાસ કર્યા પણ સામે છેડેથી એક પછી એક બેટ્સમેન આઉટ થતાં રહેલા અંતે તે નાકામ રહ્યો હતો.
233 રનના લક્ષ્યાંકની સામે ઇંગ્લેન્ડની શરૂઆત ખરાબ રહી હતી અને બીજા જ બોલે બેયરસ્ટોની વિકેટ તેમણે ગુમાવી હતી અને તે પછી સ્કોર 26 પર પહોંચ્યો ત્યારે વિન્સે પણ આઉટ થઇ ગયો હતો. તે પછી રૂટ અને મોર્ગને મળીને 47 રનની ભાગીદારી કરી હતી, અને સ્કોર 73 પર પહોંચ્યો ત્યારે મોર્ગન ઉડાના દ્વારા ઍક દર્શનીય કેચ પકડી લેવાતા આઉટ થયો હતો. અહીંથી રૂટ અને સ્ટોક્સ મળીને 54 રનની ભાગીદારી કરીને સ્કોર 127 રન સુધી લઇ ગયા હતા. ત્યારે રૂટ અંગત 57 રન કરીને આઉટ થયો હતો.
ઍકલે હાથે ઇંગ્લેન્ડને જીતાડવા માટે છેલ્લે સુધી પ્રયાસ કરનાર સ્ટોકસ 82 રન કરી નોટઆઉટ રહ્યો
રૂટ આઉટ થયો તે પછી સ્ટોક્સે ઍક છેડો સાચવી રાખીને અર્ધસદી ફટકારી હતી પણ સામે છેડેથી તેના જોડીદાર બદલાતા રહ્યા હતા. બટલર 10 રન અને મોઇન અલી 16 રન કરીને આઉટ થયા હતા, જ્યારે વોક્સ અને આદિલ રાશિદની પણ વિકેટ પડતા ઇંગ્લેન્ડનો સ્કોર 8 વિકેટે 178 રન થયો હતો. જોફ્રા આર્ચર પણ 186 રનના સ્કોર પર પેવેલિયન ભેગો થયો તે પછી સ્ટોક્સે 2 છગ્ગા અને 2 ચોગ્ગા ફટકારીને શ્રીલંકાની ચિંતા વધારી હતી પણ 47મી ઓવરનો છેલ્લો બોલે માર્ક વુડ આઉટ થઇ જતાં ઇંગ્લેન્ડની ઇનિંગ પુરી થઇ હતી. સ્ટોક્સ 89 બોલમાં 82 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. શ્રીલંકા તરફથી મલિંગાઍ 4, ડિ સિલ્વાઍ 3, ઉડાનાઍ 2 અને પ્રદીપે 1 વિકેટ ઉપાડી હતી.
ખરાબ શરૂઆત પછી વર્લ્ડકપની પહેલી મેચ રમતા અવિષ્કા ફર્નાન્ડોઍ ૪૯ રનની ઇનિંગ રમી
પહેલો દાવ લેનારા શ્રીલંકાની શરૂઆત સાવ જ ખરાબ રહી હતી અને તેના બંને ઓપનરની વિકેટ માત્ર 3 રનના સ્કોર પર ગુમાવી દીધી હતી. જો કે તે પછી વર્લ્ડ કપમાં પોતાની પહેલી મેચ રમી રહેલા અવિષ્કા ફર્નાન્ડોઍ બાજી સંભાળીને આક્રમક બેટિંગ કરી 39 બોલમાં 49 રનની ઇનિંગ રમી હતી. તે થર્ડ મેન પરથી અપર કટ મારવાના પ્રયાસમાં આઉટ થયો હતો. તે પછી કુસલ મેન્ડિસ અને ઍન્જડેલો મેથ્યુઝે બાજી સંભાળીને 61 રનની ભાગીદારી કરી હતી. જોખમી બની રહેલી આ ભાગીદારીને આદિલ રાશિદે તોડી હતી અને તેણે સતત બે બોલમાં કુસલ મેન્ડિસ તેમજ જીવન મેન્ડિસને આઉટ કરતા 133 રનના સ્કોર પર શ્રીલંકાની અડધી ટીમ પેવેલિયન ભેગી થઇ હતી.
મેથ્યુઝની નોટઆઉટ ૮૫ રનની લડાયક ઇનિંગ, કુસલ મેન્ડિસ અને મેથ્યુઝની ૬૧ રનની ભાગીદારી
મેથ્યુઝે તે પછી ધનંજય ડિસ્લિવા સાથે 57 રનની ભાગીદારી કરવા સાથે 84 બોલમાં પોતાની અર્ધસદી પુરી કરી હતી. ડિ સિલ્વા 47૭ બોલમાં 29 રન બનાવીને આઉટ થયો હતો. જો કે મેથ્યુઝે અંત સુધી પોતાની વિકેટ ગુમાવી નહોતી અને તે 115 બોલમાં 85 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. ઇંગ્લેન્ડ વતી જોફ્રા આર્ચર અને માર્ક વુડે 3-3 જ્યારે આદિલ રાશિદે 2 અને ક્રિસ વોક્સે 1 વિકેટ ઉપાડી હતી.