અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ પર ફરી એકવાર જાતીય શોષણનો આરોપ લગાવવામાં આવ્યો છે. ન્યૂયોર્ક સ્થિત એક લેખિકા અને લાંબા સમય સુધી મહિલાઓને માર્ગદર્શન પુરું પાડનાર કોલમિસ્ટે યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે જાતિય સતામણીનો સણસણતો આક્ષેપ કર્યો છે.

આ આક્ષેપ એવા સમયે કરવામાં આવ્યો છે જયારે ડોનાલ્ડ ટ્રમ્પે 2020ની ચૂંટણી માટે પોતાના પ્રચાર અભિયાનનો પ્રારંભ કર્યો છે. યુએસ રાષ્ટ્રપતિએ આ પ્રકારના આક્ષેપને ફગાવી દીધો હતો અને તેને ફેક ન્યુઝ ગણાવ્યા હતા. લેખિતા ઈ જીન કેરોલે તેના પુસ્તકમાં ઘટસ્ફોટ કર્યો છે કે 90ના દાયકામાં ન્યૂ યોર્કમાં એક ડિપાર્ટમેન્ટ સ્ટોરમાં ડ્રેસિંગ રૂમની અંદર ટ્રમ્પે તેની જાતિય સતામણી કરી હતી.

આ પુસ્તકના કેટલાક અંશો વેબસાઈટ પર સૌપ્રથમ પ્રકટ કરવામાં આવ્યા છે. જો કે કેરોલે ટ્રમ્પનું નામ પ્રથમ પુરૂષ તરીકે દર્શાવ્યું નહતું અને તેણે પુસ્તકમાં લખ્યું છે કે, કદરૂપા પુરૂષ ડોનાલ્ડ ટ્રમ્પે ૨૩ વર્ષ અગાઉ બર્ગોર્ફ ગુડમેન સ્ટોરમાં મારી જાતિય સતામણી કરી હતી. જો કે મારા જીવનમાં આવું કરનારા વ્યકિતઓમાં તેઓ એકમાત્ર નથી.
લેખિકાના આગામી પુસ્તકના અંશો ન્યૂયોર્ક સ્થિત એક મેગેઝિનમાં પ્રકાશિત થયા છે. તેના મુજબ લેખિકાએ જણાવ્યું હતું કે, તે સમયના રીયલ એસ્ટેટના બાદશાહ ગણાતા ટ્રમ્પે મારી સાથે અણછાજતું વર્તન કર્યું હતું. કેરોલ એક લેખિકા છે અને તે લાંબા સમય સુધી પ્રતિષ્ઠિત એલે મેગેઝિન માટે કોલમ લખતા હતા.

ટ્રમ્પ સામે જાહેરમાં જાતિય સતામણીનો આક્ષેપ કરનાર 16 મહિલાઓ પૈકી કેરોલ પણ એક છે. ઉલ્લેખનીય છેકે, કેટલીક મહિલાઓએ અગાઉ 2016ની ચૂંટણી પૂર્વે પણ ટ્રમ્પ સામે આક્ષેપોનો મારો ચલાવ્યો હતો. ડોનાલ્ડ ટ્રમ્પે આ આક્ષેપોને ફગાવતા જણાવ્યું હતું કે, હું મારા જીવનમાં કયારેય આ વ્યકિતને મળ્યો નથી. તેઓ પોતાના આગામી પુસ્તકની પ્રસિદ્ઘી માટે આ બધું કરી રહ્યા છે.