રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં છેલ્લા ૨૪ કલાકમાં નવ હત્યા થતાં શહેરમાં હાહાકાર મચી ગયો હતો. હત્યાઓ અંગે આમ આદમી પાર્ટીએ કેન્દરની મોદી સરકાર પર પસ્તાળ પાડી હતી. આપની નેતા આતીશી માર્લોને કહ્યું હતું કે દિલ્હીમાં છેલ્લા ૨૪ કલાકમાં નવ હત્યા દર્શાવે છે કે અહીં વાસેપુર જેવું થઇ રહ્યું છે. દિલ્હીમાં મહિલાઓ રાતના સાડા આઠ વાગ્યા પછી ઘરમાંથી બહાર નીકળી શકતી નથી.

તેમણે કહ્યું હતું કે પહેંલા મેહરૌલીમાં, પછી દ્વારકામાં અને પછી વસંત વિહારમાં પતિ-પત્ની તેમજ નોકરની હત્યાના સમાચાર મળ્યા હતા. કેન્દ્ર સરકાર શું કરી રહી છે. દિલ્હીમાં છેલ્લા ૩૦ દિવસોમાં ગોળીબારની ૨૦૦ ઘટનાઓ બની હતી. પાટનગરમાં બગડતી જતી સ્થિતિ માટે કોણ જવાબદાર છે? એમ આતીશીએ પૂછ્યું હતું. તેમણે આરોપ કર્યો હતો કે આના માટે ભારતીય જનતા પાર્ટી જવાબદાર છે. દિલ્હીના સાતે સાંસદો ભાજપના છે. કેન્દ્રે નિમેલા ઉપ રાજ્યપાલ અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જવાબ આપવો જોઇએ.

દરમિયાન દિલ્હીના દક્ષિણપશ્ચિમ વિસ્તારમાં આવેલા વસંત વિહારમાં આજે સવારે એક ઘરમાંથી વૃધ્ધ પુરૂષ, તેમના પત્ની અને નોકરની ગળું કાપેલી લાશો મળી આવી હતી. માર્યા ગયેલાઓને નિવૃત્ત સરકારી કર્મચારીઓ વિષ્ણુ માથુર, તેમના પત્ની શશી માથુર અને તેમના નોકર કુશિભુ નૌત્યાલ તરીકે આળખવામાં આવ્યા હતા. વિષ્ણું કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગમાંથી નિવૃત્ત થયા હતા જ્યારે શશી નવી દિલ્હી મ્યુનિ.માં કામ કરતા હતા.

કેર ટેક તરીકે કામ કરતા નોતિયાલ દંપત્તિ સાથે જ રહેતો હતો અને છેલ્લા છ મહિનાથી તેમની સાથે જ કામ કરતો હતો. બબલી નામની નોકરાણી જ્યારે ઘરે આવી ત્યારે એણે લોહીના ખાબોચીયા જોતાં પાડોશીઓને બોલાવ્યા હતા જેમણે પોલીસને જાણ કરી હતી.