હરિયાણાના યમુનાનગરની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક 3 વર્ષનાં બાળક ચાઉમીન ખાધું તે બાદ તેને હોસ્પિટલ ખસેડવો પડ્યો. ડોક્ટરોએ મુશ્કેલીથી તેનો જીવ બચાવ્યો. બાળકની હાલત એટલી ખરાબ હતી કે તેને 16 દિવસ સુધી વેન્ટીલેટર પર રાખવો પડ્યો.
બાળકના પિતાએ જણાવ્યું કે, ચાઉમીન ખાધાના થોડા સમય બાદ તેના દિકરાની હાલત ખરાબ થઇ ગઇ. 3 વર્ષના ઉસ્માને ચાઉમીનમાં નાંખવામાં આવતી ચટણી વધારેમાત્રામાં ખાઇ લીધી હતી. તે પછી તેને શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી હતી. બાળકની સારવાર કરવા માટે અનેક હોસ્પિટલોએ હાથ ઉપર કરી લીધી ત્યારે બાળકના પરિવારજનો તેને ગાબા હોસ્પિટલ લઇ ગયાં જ્યાં આઇસીયૂમાં તેની સારવાર શરૂ કરવામાં આવી.
સ્થાનિક મીડિયા રિપોર્ટસ અનુસાર જ્યારે ડોક્ટર્સે તેની તપાસ કરી તો તેમને સમજાઇ ગયું કે બાળકના ફેફસા ફાટી ગયાં છે. ઓપરેશન બાદ ચેસ્ટ ટ્યૂબ નાંખવામાં આવી. આ દરમિયાન બાળકને એકવાર કાર્ડિયાક અરેસ્ટ પણ આવ્યો. હવે બાળક સ્વસ્થ છે.
ડોક્ટર્સે જણાવ્યા અનુસાર ચાઉમીનમાં સ્વાદ માટે ખતરનાક એસિડનો ઉપયોગ કરવામાં આવે છે જે નુકસાનકારક છે. તેનાથી ફેફસાને નુકસાન થવાની સાથે લિવર અને કિડની ખરાબ થવાનું જોખમ રહેલું છે.