દક્ષિણ કાશ્મીરમાં આવેલી પવિત્ર અમરનાથજીની ગુફામાં દરવર્ષે સ્વયંભુ શિવલિંગ રચાય છે અને તેને દર્શન કરવા હજારોની સંખ્યામાં લોકો જાય છે. આ વર્ષે પહેલી જુલાઈથી અમરનાથ યાત્રા શરૂ થઈ રહી છે. જે 15 ઓગસ્ટ સુધી ચાલશે. 45 દિવસ સુધી ચાલનારી અમરનાથ યાત્રા આતંકીઓના નિશાના પર છે.

ગૃહમંત્રાલયને મોકલેલા રિપોર્ટમાં જણાવાયું છે કે આતંકી સાત પ્રકારે અમરનાથ યાત્રા પર હુમલો કરી શકે છે. આતંકી હુમલાના ખતરાને જોતાં ગૃહ મંત્રાલયે પણ ખાસ તૈયારીઓ કરી છે. યાત્રાના રૂટ પર આઈઈડી ખતરાને જોઈ બીડીટી ટીમની સંખ્યા બમણી કરાઈ છે. સાથે જ આઈઈડીથી નિપટવા ખાસ તાલીમ પામેલા 40 નવા એક્સપર્ટને મૂકાયા છે.

યાત્રા રૂટ પર સીસીટીવી કેમેરા અને ડ્રોનની સંખ્યા પણ બમણી કરાશે. આરએફ ટેગિંગ દ્વારા વધુ સંખ્યામાં સુરક્ષાદળોને તૈનાત કરાશે. સાથે જ દરેક ખાનગી વાહનોનું પણ આરએફ ટ્રેગિંગ કરાશે.

સૂત્રોની જાણકારી મુજબ ગૃહ મંત્રાલયે અમરનાથ યાત્રાને વધુ હાઈટેક કરવા માટે 55 કરોડ રૂપિયાથી વધુ ફાળવ્યા છે. પહેલગામના નુનવાન કેંમ્પ અને બાલતાલ કેમ્પની સુરક્ષા માટે પણ સ્પેશિયલ કમાંડો તૈનાત કરાશે.
આજથી મિશન કાશ્મીર પર અમિત શાહ
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે જમ્મુ-કાશ્મીર જશે. જ્યાં તેઓ જમ્મુ-કાશ્મીરની સુરક્ષાની સ્થિતિની અને વિકાસ કાર્યોની સમીક્ષા કરશે. ગૃહપ્રધાન બન્યા બાદ અમિત શાહ પહેલી વખત જમ્મુ-કાશ્મીર જઈ રહ્યા છે. પહેલી જુલાઈથી કાશ્મીરમાં અમરનાથ યાત્રાનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે શ્રીનગરમાં તેઓ ઉચ્ચસ્તરીય સુરક્ષા બેઠક કરશે.