સ્માર્ટ સિટી અંર્તગત વડોદરા શહેરમાં વાહન ચાલકોને હવે ગતિ મર્યાદાનું ધ્યાન રાખવું પડશે. વડોદરા શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોતે વાહનોની સ્પીડ લિમિટ અંગે જાહેરનામુ પ્રસિદ્ધ કર્યું છે. જેમાં વડોદરા શહેરના તમામ માર્ગો અને ગીચ વિસ્તારોમાં વાહનો માટે 30થી 50 કિ.મી. પ્રતિ કલાકની સ્પીડ મર્યાદા નક્કી કરાઇ છે. ગતિ મર્યાદા કરતા વધુ ઝડપે વાહન ચલાવનાર ચાલકો પર સ્પીડ ગન દ્વારા નજર રાખીને 400 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે.
હેવી વ્હીકલ માટે 30 કિ.મીની ગતિ મર્યાદા નક્કી કરાઇ
વડોદરા શહેરમાં શહેરમાં ફરતા હેવી વ્હીકલ માટે 30 કિ.મીની ગતિ મર્યાદા નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત મીડિયમ અને લાઇટ વ્હીલક માટે 40 કિ.મી.ની સ્પીડ નક્કી કરાઇ છે. ફાજલપુર બ્રીજ પરથી જી.એસ.એફ.સી થઇ જામ્બુવા બાયપાસ સુધીના નેશનલ હાઇવે પર તમામ પ્રકારના વાહનો માટે 50 કિ.મીની સ્પીડ નક્કી કરાઇ છે.
વાહન ચાલકો લોકોના જીવ જોખમમાં મૂકે છે
વડોદરા શહેરમાં રસ્તાઓ પર વાહન ચાલકો વાહન પુર ઝડપે ચલાવીને લોકોના જીવ જોખમમાં મુકે છે. આવી ઘટના બનતી અટકાવવા માટે ગતિ મર્યાદા નક્કી કરવામાં આવી છે. જાહેરનામાનો ભંગ કરનાર વાહન ચાલકો પાસેથી દંડની કાર્યવાહી કરવામાં આવશે.
આ રસ્તાઓ પર હવે 40 કિ.મીથી વધુને સ્પીડે વાહન નહીં ચલાવી શકાય
છાણી જકાતનાકાથી નિઝામપુરા, ફતેગંજ સર્કલ, કાલાઘોડાથી જેલ રોડ, ઇન્દીરા એવન્યૂ માર્ગથી લાલબાગ બ્રીજ સુધી, કાલાઘોડાથી સ્ટેશન, ગોત્રી રોડ, જેતલપુર રોડ, અકોટા રોડ, ગોત્રી રોડ, કારેલીબાગ રોડ, બરોડા ઓટો મોબાઇલથી રાવપુરા રોડ, ન્યાયમંદિર- દાંડીબજાર, રાજમહેલ રોડ, સિધ્ધનાથ રોડ અને આર.સી દત્ત રોડ પર 40 કિ.મી. પ્રતિ કલાકની સ્પીડ મર્યાદા નક્કી કરાઇ છે.
કયા વાહનો માટે કેટલી સ્પીડ લિમીટ નક્કી કરવામાં આવી
– હેવી વ્હીકલ્સ ની સ્પીડ લિમિટ
– 30 કિ.મી
– મીડિયમ વ્હીક્લસની સ્પીડ લિમિટ
– 40 કિ.મી
-લાઇટ વ્હીક્લસની સ્પીડ લિમીટ
– 40 કિ.મી
– સ્કુટર/મોટર સાયકલ (બાઇક)ની સ્પીડ લિમીટ
– 40 કિ.મી