આજે અહીં કરો યા મરો મેચમાં શ્રીલંકાઍ કુસલ પરેરા અને દિમૂથ કરુણારત્નેની મજબૂત ઓપનીંગ ભાગીદારી અને અવિષ્કા ફર્નાન્ડોની પહેલી વનડે સદીની મદદથી 6 વિકેટે 338 રન બનાવીને મુકેલા 339 રનના લક્ષ્યાંક સામે વેસ્ટઇન્ડિઝ વતી નિકોલસ પૂરને લડાયક ઇનિંગ રમવા છતાં શ્રીલંકા 23 રને જીત્યું હતું.
અવિષ્કા ફર્નાન્ડોઍ વનડેમાં પોતાની પહેલી સદી ફટકારતા 103 બોલમાં 104 રન બનાવ્યા
જેસન હોલ્ડરે ટોસ જીતીને ફિલ્ડીંગનો નિર્ણય કર્યા પછી શ્રીલંકાઍ આ વર્લ્ડ કપમાં પહેલીવાર મજબૂત શરૂઆત કરી હતી અને કુસલ પરેરા તેમજ દિમૂથ કરુણારત્નેઍ 93 રનની ઓપનીંગ ભાગીદારી કરી હતી. કરુણારત્ને 32 રન કરીને આઉટ થયો તે પછી કુસલ પરેરા પણ થોડી વારમાં 51 બોલમાં 64 રન કરીને આઉટ થયો હતો. ફર્નાન્ડો અને કુસલ મેન્ડિસે 85 રનની જોરદાર ભાગીદારી કરી હતી. મેન્ડિસ 39 રન કરીને આઉટ થયો તે પછી મેથ્યુઝ પણ 20 બોલમાં 26 રન કરીને આઉટ થયો હતો.
અવિષ્કા ફર્નાન્ડોઍ 103 બોલમાં 104 રનની ઇનિંગ રમીને પોતાની પહેલી વનડે સદી ફટકારી હતી. તેણે લાહિરુ થિરિમાને સાથે પાંચમી વિકેટની 67 રનની ભાગીદારી કરી હતી. થિરિમાનેઍ 33 બોલમાં 45 રનની ઇનિંગ રમી હતી. જેના કારણે શ્રીલંકા 338 રન સુધી પહોંચ્યું હતું.
339 રનના લક્ષ્યાંક સામે વેસ્ટઇન્ડિઝની શરૂઆત સારી રહી નહોતી અને 84 રનના સ્કોર પર તેણે ટોપ ઓર્ડરના 4 બેટ્સમેનની વિકેટ ગુમાવી દીધી હતી. તે પછી નિકોલસ પૂરન અને જેસન હોલ્ડરે મળીને 61 રનની ભાગીદારી કરી હતી. હોલ્ડર 26 રન કરીને આઉટ થયો તે પછી પૂરને બ્રેથવેટ સાથે 54 રનની ભાગીદારી કરી જેમાં બ્રેથવેટના માત્ર 8 રન હતા. પૂરને તે પછી ફેબિયન ઍલન સાથે મળીને 83 રનની ભાગીદારી કરીને 92 બોલમાં પોતાની સદી પુરી કરવા સાથે સ્કોર 282 રન પર પહોંચાડી દીધો હતો. સ્કોર 308 પર હતો અને તેઓ વિજયથી 31 રન દૂર હતા ત્યારે પૂરન 118 રન કરીને આઉટ થયો હતો અને તે પછી વિન્ડીઝ 9 વિકેટે 315 રન સુધી જ પહોંચતા શ્રીલંકા 23 રને જીત્યું હતું. મલિંગાએ 3 વિકેટ ઉપાડી હતી.