એર ઈન્ડિયાની આર્થિક મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. એવામાં ઓક્ટોબર મહિના પછીથી કંપની તેના કર્મચારીઓનો પગાર પણ નથી કરી શકી. નામ જાહેર ન કરવાની શરતે કંપનીના જ બે ઉચ્ચ અધિકારીઓ આ અંગેની જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, ‘સરકારે એર ઈન્ડિયાને 7,000 કરોડની રકમ પર સોવરીન ગેરંટી આપી હતી અને કંપની પાસે 2,500 કરોડ રૂપિયા બચ્યા છે અને ટૂંક જ સમયમાં તે પણ ખર્ચાઈ જશે.’
અન્ય એક અધિકારીએ જણાવ્યું કે તેલ કંપનીઓ, એરપોર્ટ ઓપરેટર્સ અને અન્ય વેપારીઓને બાકી નાણાં ચૂકવવામાં અને કેટલાક મહિનાઓનો પગાર કરવામાં આ પૈસા ખર્ચ થશે. એર ઈન્ડિયા દર મહિને કર્મચારીઓના પગાર પાછળ 300 કરોડ રૂપિયાનો ખર્ચ કરે છે અને છેલ્લા કેટલાક મહિનાઓથી તે પગારની ચૂકવણીમાં વિલંબ કરી રહી છે. અન્ય એક અધિકારીએ નામ જાહેર નહીં કરવાની શરતે જણાવ્યું કે કંપનીએ મે મહિનાનો પગાર પણ 10 દિવસ પછી કર્યો હતો.
એર ઈન્ડિયા એક જ એવી સરકારી કંપની નથી કે જેને પોતાના કર્મચારીઓને પગાર ચૂકવવામાં મુશ્કેલી પડતી હોય. સૂત્રોના જણાવ્યા અનુસાર બીએસએનએલ લિમિટેડ પણ પોતાના કર્મચારીઓને પગાર ચૂકવવાની સ્થિતિમાં નથી રહી. સિવિલ એવિએશન મિનિસ્ટ્રીએ 5 જુલાઈના રોજ આગામી બજેટમાં કંપની માટે કોઈ માગ નથી કરી.