સસ્તા અને ટકાઉ મોબાઇલ ફોન પૂરા પાડવામાં ચીનની કંપનીઓ અન્ય વિદેશી કંપનીએાને જોરદાર ટક્કર આપી રહી છે. એનો બોલતો પુરાવો એ છે કે કોરિયન કંપની સેમસંગ એક હજાર ભારતીય કર્મચારીને છૂટા કરશે એવી માહિતી મળી હતી.
સેમસંગ ઇન્ડિયાના પ્રવક્તાએ કહ્યું કે હાલ વીસ હજાર ભારતીયો સેમસંગ કંપની સાથે જોડાયેલા છે. અત્યાર સુધીમાં 150 કર્મચારીને છૂટા કરાયા છે. આ વર્ષના ઓક્ટોબર સુધીમાં કુલ 1000 ભારતીય કર્મચારીને છૂટા કરવાનો નિર્ણય કંપનીએ લીધો હતો. સેમસંગે પોતાનો માર્જિન અને પ્રોફિટ વધારવા કર્મચારીઓને છૂટા કરવાનો નિર્ણય લેવો પડ્યો હતો.
જો કે આ પ્રવક્તાએ એવો દાવો કર્યો હતો કે ફાઇવ જીનું વિશાળ નેટવર્ક ઊભું કરવા અમે ભારતમાં માતબર મૂડી રોકાણ કરીને સૌથી મોટી ફેક્ટરી નાખી રહ્યા છીએ. અત્યારે કંપનીમાં વીસ હજાર ભારતીયો કામ કરી રહ્યા છે.
એમાંથી જેમની કામગીરી સંતોષકારક નથી એવા એક હજાર લોકોની યાદી સંબંધિત વિભાગના વડાને આપી દેવામાં આવી છે અને ક્રમશઃ આ લોકોને છૂટા કરી દેવામાં આવશે. અત્યાર પહેલાં આવા બિનકાર્યક્ષમ લોકોને એક કરતાં વધુ વખત ચેતવણી આપવામાં આવી હતી અને એ લોકો પોતાની કાર્યક્ષમતા વધારે એવી અપેક્ષા પણ રાખવામાં આવી હતી.