ભારતીય ક્રિકેટ ચાહકોમાં હિટમેનના નામથી પ્રસિદ્ધ રોહિત શર્માઍ આજે અહીં રમાયેલી બાંગ્લાદેશ સામેની વર્લ્ડકપની મેચમાં ડબલ ધમાલ મચાવી દીધી હતી. ઍક તરફ તેણે હાલના વર્લ્ડ કપમાં ચોથી સદી ફટકારી હતી તો બીજી તરફ તેણે ૫૦૦ રનનો આંકડો પુરો કરીને હાલના વર્લ્ડ કપમાં સર્વાધિક રન કરનારાઅોની યાદીમાં ટોચના સ્થાને પહોંચી ગયો હતો. આ ઉપરાંત તેણે કેઍલ રાહુલ સાથે વર્લ્ડકપમાં વિક્રમી ભાગીદારી પણ કરી હતી.
રોહિત શર્મા વર્લ્ડ કપમાં 4 સદી ફટકારનારો પહેલો ભારતીય
બાંગ્લાદેશ સામેની મેચમાં મંગળવારે ભારતીય ટીમના ઓપનર રોહિત શર્માઍ 104 રનની ઇનિંગ રમીને વર્લ્ડ કપ 2019માં પોતાની ચોથી સદી ફટકારી હતી અને તેની સાથે જ તેણે મેથ્યુ હેડન, માર્ક વો અને સૌરવ ગાંગુલી જેવા દિગ્ગજ ખેલાડીઓને પાછળ મુકીને શ્રીલંકાના માજી કેપ્ટન કુમાર સંગાકારાની ઍક વર્લ્ડ કપમાં 4 સદી ફટકારવાના રેકોર્ડની બરોબરી કરી લીધી હતી. ઍક વર્લ્ડ કપમાં 4 સદી ફટકારનારો તે પહેલો ભારતીય ખેલાડી પણ બન્યો હતો. શ્રીલંકન વિકેટકીપર બેટ્સમેન કુમાર સંગાકારાઍ 2015ના વર્લ્ડ કપમાં ચાર સદી ફટકારીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. રોહિત શર્માની ઓવરઓલ વર્લ્ડ કપની આ 5મી સદી રહી હતી. જ્યારે વનડેમાં આ તેની 26મી સદી રહી હતી. રોહિત શર્માના ફોર્મનો અંદાજ ઍના પરથી મળી જાય છે કે તેણે ક્રિકેટના આ મહાકુંભમાં હાલમાં કુલ 7 ઇનિંગ રમી છે જેમાં 4માં સદી ફટકારી છે. તેણે ટુર્નામેન્ટની પહેલી જ મેચમાં દક્ષિણ આફ્રિકા સામે 122 રનની ઇનિંગ રમી હતી અને તે પછી પાકિસ્તાન સામે 140 રનની ઇનિંગ રમી હતી અને ઇંગ્લેન્ડ સામે 102 રનની ઇનિંગ તેણે રમી હતી.
વર્લ્ડ કપમાં સર્વાધિક રન કરનારાઓની યાદીમાં રોહિત વોર્નરને પાછળ હડસેલી 544 રન સાથે ટોચના સ્થાને
બાંગ્લાદેશ સામે મંગળવારે 92 બોલમાં 104 રનની ઇનિંગ રમીને રોહિત શર્માઍ હાલના વર્લ્ડ કપમાં 500 રનનો આંકડો પુરો કરવા સાથે સર્વાધિક રન કરનારાઓની યાદીમાં ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નરને પાછળ હડસેલીને ટોચના સ્થાને પહોંચી ગયો હતો. રોહિત શર્માના નામે કુલ રન 544 છે, હાલના વર્લ્ડકપમાં 500 રન પુરા કરનારો તે ત્રીજો બેટ્સમેન છે. તેના પહેલા ઓસ્ટ્રેલિયાની ઓપનીંગ જોડી ડેવિડ વોર્નર અને ઍરોન ફિન્ચ આંકડો પાર કરી ચુક્યા છે. વોર્નરના નામે 516 રન જ્યારે ફિન્ચના નામે 502 રન છે.
જો કે કોઇ ઍક વર્લ્ડ કપમાં સર્વાધિક રન કરવાનો રેકોર્ડ સચિન તેંદુલકરના નામે છે, તેણે 2003માં દક્ષિણ આફ્રિકા ખાતેના વર્લ્ડ કપમાં 673 રન કર્યા હતા. રોહિત શર્મા ઍ રેકોર્ડથી 129 રન દૂર છે, અને હાલમાં તેનું જે ફોર્મ છે તેને ધ્યાને લેતા તે ઍ આકંડો પુરો કરીને સચિનનો રેકોર્ડ પણ તોડી શકે તેવી સંભાવના નકારી શકાતી નથી. ભારત વતી 500 કે તેનાથી વધુ રન કરવા મામલે રોહિત સચિન પછી બીજો ભારતીય બન્યો છે. સચિન જો કે બે વાર આ મુકામ મેળવી ચુક્યો છે અને વર્લ્ડ કપમાં સૌથી પહેલા 500 રન કરવાનો રેકોર્ડ પણ સચિનના નામે છે જે તેણે 1996માં 523 રન કરીને બનાવ્યો હતો.