હાલમાં ઇંગ્લેન્ડમાં રમાઇ રહેલા આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપમાં મહેન્દ્ર સિંહ ધોનીની ધીમી ઇનિંગ મામલે ક્રિકેટ ચાહકો અને ક્રિકેટ એક્સપર્ટ સતત તેની ટીકા કરી રહ્યા છે ત્યારે એવા અહેવાલો આવી રહ્યા છે ભારતીય ટીમનો આ માજી કેપ્ટન અને વિકેટકીપર બેટ્સમેન વર્લ્ડ કપ પછી ક્રિકેટમાંથી નિવૃત્તિ લઇ લેશે, એક સમાચાર સંસ્થાને બીસીસીઆઇના વરિષ્ઠ અધિકારીએ માહિતી આપી હતી કે ધોની હાલના વર્લ્ડ કપમાં જ પોતાની છેલ્લી મેચ રમશે અને તે પછી તે પોતાની નિવૃત્તિની જાહેરાત કરી દેશે.
એ ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી ધોની સતત ટીકાકારોનું નિશાન બની રહ્યો છે. ખાસ કરીને વર્લ્ડ કપમાં પોતાની ધીમી ઇનિંગને કારણે તે ટીમ ઇન્ડિયાને ભારે પડ્યો હોવાનું તેના ટીકાકારો માને છે. ધીમી ઇનિંગને કારણે વિશ્વના શ્રેષ્ઠતમ મેચ ફિનિશર તરીકેની તેની જે ઇમેજ છે તે પણ ધોવાઇ ગઇ છે. વર્લ્ડ કપ માટે તેની પસંદગી થઇ તેના પહેલાથી એવી અટકળો લગાવાતી હતી કે ધોની ક્રિકેટના આ મહાકુભ પછી નિવૃત્તિ લઇ લેશે,
અફઘાનિસ્તાન સામે તેણે રમેલી 52 બોલમાં 28 રનની ઇનિંગ પછી તેની ઘણી ટીકા થઇ હતી. તેની આ ઇનિંગને માત્ર ચાહકો જ નહીંપમ સચિન તેંદુલકર પણ નિરાશ થયો હતો. તે પછી ઇંગ્લેન્ડ સામેની મેચમાં પણ તેના એપ્રોચને લઇને તેની ટીકા કરવામાં આવી હતી ધોનીના મોટા સમર્થક રહેલા સૌરવ ગાંગૂલીએ પણ તે સમયે કોમેન્ટ્રી કરતાં તેની ટીકા કરી હતી. વિકેટકીપીંગમાં પણ તેના રિફ્લેકશન ધીમા પડ્યા હોવાની વાતો થઇ રહી છે.