ન્યુઝીલેન્ડનો બુધવારે ઇંગ્લેન્ડ સામે પરાજય થવાથી પાકિસ્તાનની સેમી પ્રવેશની સંભાવના સામે મોટો સવાલ ઊભો થયો છે. જે સંભાવના છે તે અનુસાર ન્યુઝીલેન્ડ ચોથી ટીમ તરીકે લગભગ ફાઇનલ છે, ત્યારે પાકિસ્તાને એવું કંઇ કરી બતાવવું પડશે કે વર્લ્ડ ક્રિકેટના ઇતિહાસમાં ક્યારેય નથી થયુ. ઍક ગણતરી અનુસાર પાકિસ્તાને સેમી ફાઇનલમાં પહોંચવા માટે પહેલા બેટિંગ કરીને ૪૦૦ રન કરીને બાંગ્લાદેશને ૮૪ રને અોલઆઉટ કરીને મેચ ૩૧૬ રનના માર્જીનથી જીતવી પડશે. જો પાકિસ્તાન ૩૫૦ રને અોલઆઉટ થાય તો તેણે બાંગ્લાદેશને ૩૮ રને અોલઆઉટ કરીને ૩૧૨ રને હરાવવું પડે. આ સ્થિતિમાં જો તેણે ટાર્ગેટ ચેઝ કરીને મેચ જીતવાની હોય તો તે પણ તેના માટે અસંભવ જેવી જ બાબત છે. મતલબ કે બંને સ્થિતિમાં પાકિસ્તાન માટે સ્થિતિ અસંભવ છે.
પાકિસ્તાન માટે સ્થિતિ એટલા માટે કપરી છે કે તેની સામે બાંગ્લાદેશની ટીમ છે, જે એમ સહેલાઇથી હારી જાય તેમ નથી, વળી તેની બોલિંગ ભલે થોડી કમજોર હોય પણ તેના બેટ્સમેન ગમે તેવી કપરી પરિસ્થિતમાંથી પણ મેચને બહાર કાઢવા માટે જાણીતા છે. શાકિબ અલ હસન એકલા હાથે મેચને પોતાની ટીમની તરફેણમાં ફેરવવા માટે જાણીતો છે. તો મુશ્ફીકર રહીમ અને લિટન દાસ પણ એ કાબેલિયત ઘરાવે છે. તેથી પાકિસ્તાન માટે આમ જોવા જઇએ તો બધી તરફથી દરવાજા બંધ થઇ ગયા છે, છતાં ક્રિકેટ લક બાય ચાન્સ જેવી ગેમ છે. નસીબ જોર કરતું હોય તો પાકિસ્તાન કદાચ સેમી ફાઇનલ માટેની ચોથી ટીમ બની પણ શકે. વળી જો તેઓ ટોસ હારી જશે તો તેમના માટે દરવાજા ત્યાં જ બંધ થઇ જશે, આ સ્થિતિમાં ટાર્ગેટ ચેઝ કરીને પાકિસ્તાન જીતે તો પણ તેઓ સેમી ફાઇનલમાં પ્રવેશી શકે તેમ નથી.