વર્લ્ડ કપના પોઇન્ટ ટેબલમાં છેલ્લા બે નંબરની ટીમ વચ્ચેની અહીં રમાયેલી મેચમાં વેસ્ટઇન્ડિઝે ઍવિન લુઇસ, શાઇ હોપ અને નિકોલસ પૂરનની અર્ધસદી ઉપરાંત પુરન અને જેસન હોલ્ડરે 71 બોલમાં કરેલી 105 રનની ભાગીદારીથી સ્કોર 6 વિકેટે 311 થયો હતો. 312 રનના લક્ષ્યાંક સામે અફઘાનિસ્તાન વતી રહમત શાહ અને ઇકરામ અલીખીલે અર્ધસદીઓ ફટકારવાની સાથે બંનેએ મળીને લડાયક ભાગીદારી કરી પણ અન્ય બેટ્સમેનોનો સહકાર ન મળતા તેઓ 288 રને ઓલઆઉટ થતાં વેસ્ટઇન્ડિઝનો 23 રને વિજય થયો હતો. વેસ્ટઇન્ડિઝે વર્લ્ડકપમાંથી જીત સાથે વિદાય લીધી હતી, જ્યારે અફઘાનિસ્તાન પોતાની તમામ 9 મેચ હારીને પોઇન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને રહ્યું હતું.
ટોસ જીતીને દાવ લેવા ઉતરેલા વેસ્ટઇન્ડિઝની શરૂઆત ખરાબ રહી હતી અને વર્લ્ડ કપમાં પોતાની છેલ્લી મેચ રમી રહેલો ક્રિસ ગેલ માત્ર 7 રન કરીને આઉટ થયો હતો. તે પછી શાઇ હોપ અને ઍવિન લુઇસે મળીને બીજી વિકેટની 88 રનની ભાગીદારી કરી હતી. લુઇસ 58 રન કરીને 25મી ઓવરમાં 109ના સ્કોર પર આઉટ થયો હતો. શિમરોન હેટમાયર આવીને 31 બોલમાં 39 રનની ઝડપી ઇનિંગ રમીને આઉટ થયો હતો. જ્યારે શાઇ હોપ 77 રન કરીને આઉટ થયો ત્યારે સ્કોર 192 રન હતો.
અહીંથી પૂરન અને હોલ્ડરે મળીને પાંચમી વિકેટની 105 રનની ઝડપી ભાગીદારી કરીને સ્કોરને 300 પાર પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. અંતિમ 10 ઓવરમાં વેસ્ટઇન્ડિઝે 111 રન બનાવ્યા હતા. પૂરને 43 બોલમાં 58 રનની તો હોલ્ડરે 34 બોલમાં 45 રનની ઇનિંગ રમી હતી. અંતિમ ઓવરમાં બંને આઉટ થયા ત્યારે કાર્લોસ બ્રેથવેટે 4 બોલમાં 2 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 11 રન કરીને સ્કોર 311 પર પહોંચાડ્યો હતો.