હાલના વર્લ્ડ કપમાં ભારતીય ટીમે પોતાની વિજયી રિધમ ભલે જાળવી રાખી હોય પણ તે છતાં તેમના માટે મિડલ ઓર્ડરની સમસ્યા હજુ પણ જૈસે થે જેવી છે. આ સ્થિતિમાં આવતીકાલે શનિવારે જ્યારે ભારતીય ટીમ અહીં શ્રીલંકા સામે પોતાની અંતિમ રાઉન્ડ રોબિન મેચ રમવા માટે ઉતરશે ત્યારે તેઓ આશા રાખશે કે મહેન્દ્ર સિંહ ધોની સહિતનું મિડલ ઓર્ડર સેમી ફાઇનલ પહેલા ફોર્મમાં આવી જાય.
ભારતીય ટીમ પહેલાથી સેમી ફાઇનલમાં પોતાનું સ્થાન પાકું કરી ચુકી છે અને હાલ પોઇન્ટ ટેબલમાં બીજા સ્થાને રહેલી ટીમ ઇન્ડિયા શ્રીલંકા સામેની મેચ જીતીને ટોચના સ્થાને પહોંચી શકે છે. પણ તેના માટે શરત માત્ર ઍટલી છે કે શનિવારે જ રમાનારી અન્ય ઍક મેચમાં ઓસ્ટ્રેલિયા દક્ષિણ આફ્રિકા સામે હારી જાય. જે ટીમ ટોચના સ્થાને રહેશે તે સેમી ફાઇનલમાં ન્યુઝીલેન્ડ સામે રમશે અને બીજા સ્થાને રહેલી ટીમ ઇંગ્લેન્ડ સામે રમશે.
ભારતીય ટીમ માટે મિડલ ઓર્ડરની સમસ્યા હજુ પણ ઉકેલાઇ નથી અને ઍવું લાગે છે કે ભારતીય ટીમ મેનેજમેન્ટ પોતાના પ્લાન ઍ પર જ વધુ નિર્ભર રહેવા માગે છે કે જેમાં તેમના ટોપ ઓર્ડરને કારણે સફળતા મળે છે. તેથી જ મિડલ ઓર્ડર સંબંધિત તેમના પ્લાન બી પર તેમણે હજુ સુધી નિર્ભર થવું પડ્યું નથી. ભારતીય ટીમ માટે મયંક અગ્રવાલને બાદ કરતાં રવિન્દ્ર જાડેજા ઍકમાત્ર ઍવો ખેલાડી છે જે હજુ સુધી વર્લ્ડ કપમાં ઍકપણ મેચ નથી રમ્યો, હા સબસ્ટિટ્યુટ તરીકે તે મેદાનમાં ફિલ્ડીંગ કરીને ટીમને ઉપયોગી થયો છે. જા કે શ્રીલંકાની ટીમમાં ડાબોડી ખેલાડી વધુ હોવાથી તેને તક મળવાની સંભાવના ઓછી છે. ટીમમાં કદાચ ઍક ફેરફાર કરીને કેદાર જાદવને પાછો સમાવાશે, જો ઍમ થશે તો તે દિનેશ કાર્તિક સાથે અયોગ્ય ગણાશે, કારણ તેને બાંગ્લાદેશ સામે છેલ્લી મેચમાં ઍટલા બોલ રમવા મળ્યા નથી.