વર્ષની ત્રીજી ગ્રાન્ડસ્લેમ વિમ્બલ્ડનમાં પુરૂષ સિંગલ્સમાં સ્પેનિશ ખેલાડી રાફેલ નડાલ અને મહિલા સિંગલ્સમાં ૭ વારની ચેમ્પિયન સેરેના વિલિયમ્સે પોતપોતાની મેચ જીતી લઇને ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો હતો. જ્યારે જાન ઇસનર અને મારિન સિલિચ હારીને સ્પર્ધા બહાર ફેંકાઇ ગયા હતા. આ સિવાય શુક્રવારે ૧૫માં ક્રમાંકિત મિલોસ રાઓનિચે ત્રીજા રાઉન્ડ જીતીને ચોથા રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો હતો.
પુરૂષ વિભાગમાં નંબર ટુ પણ અહીં ત્રીજા ક્રમાંકિત નડાલે ચાર સેટનો સંઘર્ષ કરીને ઓસ્ટ્રેલિયન ખેલાડી નિક કિર્ગિયોસને 6-3, 3-6, 7-6, 7-6થી હરાવ્યો હતો. આ મેચ દરમિયાન ગેમ ઓફ સ્પિરીટ વિરુદ્ધનું વર્તન કરવા બદલ કિર્ગિયોસને ચેતવણી અપાઇ હતી. નડાલનો આ વિમ્બલ્ડનમાં 50મો વિજય રહ્યો હતો, હવે ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવા માટે નડાલે વિલ્ફ્રેન્ડ સોંગાના પડકારને પાર પાડવો પડશે.
9માં ક્રમાંકિત ઇસનરને કઝાકિસ્તાનના બિન ક્રમાંકિત મિખાઇલ કુકુશિને 6-4, 6-7, 4-6, 6-2, 6-4થી હરાવ્યો હતો. જ્યારે 13માં ક્રમાંકિત મારિન સિલિચને પોર્ટુગલના જાઓ સોઉસાઍ સીધા સેટમાં 6-4, 6-4, 6-4થી હરાવ્યો હતો. આ ઉપરાંત શુક્રવારે 15માં ક્રમાંકિત મિલોસ રાઓનિચે ઓપેલ્કાને 7-6, 6-2, 6-1થી હરાવી ચોથા રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો હતો. મહિલા વિભાગમાં સેરેના વિલિયમ્સે 18 વર્ષની ક્વોલિફાયર સ્લોવેનિયાની કાઝા જુવાનને 2-6, 6-2, 6-4થી હરાવીને આગેકૂચ કરી હતી. 8મી ક્રમાંકિત ઍલિના સ્વીતોલિનાઍ મારિયા સાકારીને 6-3, 6-7, 6-2થી હરાવીને ચોથા રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો હતો.