આગ્રામાં યૂપી રોડવેઝની બસ બ્રીજ પરથી નાળામાં ખાબકતાં 29 લોકોનાં મોત નિપજ્યાં છે. જેને લઇને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દુઃખ વ્યક્ત કર્યું છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નિર્દેશ આપ્યો છે.
જ્યારે સીએમ યોગી આદિત્યનાથે ડીએમ અને એસએસપીને તપાસના આદેશ આપ્યાં છે. ઉલ્લેખનીય છે કે આ દૂર્ઘટના લખનઉ-આગ્રા એક્સપ્રેસ વે પરની ઘટના છે. આ બસ લખનઉથી દિલ્લી જઇ રહી હતી. આ બસમાં અંદાજે 50 મુસાફરો સવારી કરી રહ્યાં હતા તેવા અહેવાલ પ્રાપ્ત થયા છે.
એક મળતાં અહેવાલ મુજબ બસ અવધ ડેપોની હતી જે લખનઉથી દિલ્લી જઇ રહી હતી. આ દૂર્ઘટના બાદ યૂપી રોડવેઝ દ્વારા સહાયતાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં મૃતકોના પરિવારજનોને 5 લાખ રૂપિયાની આર્થિક મદદ કરવામાં આવશે.
આ દૂર્ઘટનામાં 20થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા છે. રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. બસમાં અંદાજે 50થી વધારે લોકો સવાર હતા. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે.