8 વારના વિમ્બલ્ડન ચેમ્પિયન રોજર ફેડરરે અહીં રમાતી વર્ષની ત્રીજી ગ્રાન્ડસ્લેમમાં લુકાસ પાઉલી સામે ત્રીજા રાઉન્ડની મેચ જીતી તેની સાથે જ 17મી વાર અંતિમ ૧૬માં તેણે સ્થાન મેળવ્યું હતું. તેણે પાઉલીને 7-5, 6-2, 7-6થી હરાવ્યો હતો આ સાથે જ આ તેની ગ્રાન્ડસ્લેમ કેરિયરની 350મી જીત રહી હતી. હવે તે આગલા રાઉન્ડમાં મારિયો બેરેટિની સામે રમશે.
ફેડરરના પરંપરાગત હરીફ રાફેલ નડાલે પણ ફ્રાન્સના વિલ્ફ્રેડ સોંગાને 6-2, 6-3, 6-2થી હરાવીને અંતિમ 16માં પોતાનું સ્થાન પાકું કરી લીધું હતું. નડાલ હવે આગલા રાઉન્ડમાં પોર્ટુગલના જાઓ સોસા સામે રમશે, જેણે ડેન ઇવાન્સ સામે 5 સેટની લડત લડીને બ્રિટનની આશાનો અંત આણીને અંતિમ 16માં સ્થાન મેળવ્યું હતું. જાપાનનો કેઇ નિશિકોરીઍ ઍઇ સુગિયામાના વિમ્બલ્ડનના અંતિમ 16માં સ્થાન મેળવવાના રેકોર્ડની બરોબરી કરી હતી. તેણે અમેરિકાના સ્ટીવ જોનસનને 6-4, 6-3, 6-2થી હરાવ્યો હતો. જ્યારે અમેરિકાના સેમ કુરેને ત્રીજા રાઉન્ડની ઍક મેચમાં ઓસ્ટ્રેલિયાના જાન વિલમેનને 7-6, 7-6, 6-3થી હરાવ્યો હતો.
મહિલા સિંગલ્સમાં નંબર વન ઍશ્લે બાર્ટીઍ ચોથા રાઉન્ડમાં સ્થાન મેળવી લીધું હતું. જ્યારે 7 વારની ચેમ્પિયન સેરેના વિલિયમ્સ પણ 16મી વાર અંતિમ 16માં પ્રવેશી હતી. બાર્ટીઍ વાઇલ્ડ કાર્ડ હોલ્ડર હેરિયટ ડાર્ટને 6-1, 6-1થી હરાવી હતી, જ્યારે સેરેનાઍ જર્મનીની જુલિયા જ્યોર્જેશને 6-3, 6-4થી હરાવી હતી.