ઓસ્ટ્રેલિયન કેપ્ટન ઍરોન ફિન્ચે દક્ષિણ આફ્રિકા સામે ૧૦ રને મળેલા પરાજય પછી કહ્યું હતું કે ઇંગ્લેન્ડ સામે ગુરૂવારે સેમી ફાઇનલ રમવા બાબતે તે ઘણો ઉત્સાહીત છે. ઓસ્ટ્રેલિયાઍ લોર્ડ્સમાં લીગ રાઉન્ડની મેચમાં ઇંગ્લેન્ડને હરાવ્યું હતું, જો કે તે સમયે ટીમમાં ઇજાગ્રસ્ત હોવાથી જેસન રોય રમ્યો નહોતો.
ફિન્ચે પત્રકારોને કહ્યું હતું કે તમારે બધાને હરાવવાના હોય છે. ભલે પછી તે કોઇપણ ટીમ હોય. તેણે કહ્યું હતુંં કે ઇંગ્લેન્ડ સામે અમે ગ્રુપ સ્ટેજમાં સારું રમ્યા હતા અને તેનાથી અમારો આત્મવિશ્વાસ ચોક્કસ જ વધશે. જો કે તેણે ઉમેર્યુ હતું કે ઇંગ્લેન્ડની ટીમ હાલમાં સારું પ્રદર્શન કરી રહી હોવાથી અમારે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે.. તેણે કહ્યું હતું કે આ મેચ રોમાંચક બની રહેશે, જ્યારે પણ ઓસ્ટ્રેલિયન ટીમ ઇંગ્લેન્ડ સામે રમે છે ત્યારે તે મેચ ઉત્સાહ વધારનારી જ સાબિત થાય છે, પણ બર્મિંઘમમાં સ્થાનિક દર્શકો સામે રમવું વધુ જોરદાર બની રહેશે એવું તેણે ઉમેર્યું હતું.