આત્મવિશ્વાસ સભર ટીમ ઇન્ડિયા મંગળવારે વર્લ્ડ કપ 2019ની સેમી ફાઇનલમાં જ્યારે ન્યુઝીલેન્ડ સામે મેદાને ઉતરશે ત્યારે આ બંને ટીમ વચ્ચે એક જોરદાર મેચ થવાની ચાહકોને આશા છે. જો કે વરસાદ આ મેચની મજા મારી શકે તેવી પૂરી સંભાવના છે. હવામાન વિભાગે એવા સંકેત આપ્યા છે કે મેચના દિવસે વરસાદ પડી શકે તેમ છે. જો મંગળવારે વરસાદને કારણે આ મેચ ન રમી શકાય તો પછી એ મેચ રિઝર્વ ડે તરીકે રખાયેલા બુધવારે રમાડી શકાશે.
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ (આઇસીસી)એ લીગ સ્ટેજમાં કોઇ રિઝર્વ ડે નહોતો રાખ્યો પણ સેમી ફાઇનલ અને ફાઇનલ માટે એક રિઝર્વ ડે રાખ્યો છે. કમનસીબે જો રિઝર્વ ડે મતલબ કે બુધવારે પણ વરસાદ પડે અને વરસાદને કારણે રિઝર્વ ડેના દિવસે પણ મેચ નહીં થાય તો તેનો સીધો ફાયદો ટીમ ઇન્ડિયાને મળશે.
જો વરસાદને કારણે બંને દિવસે મેચ નહીં રમાડી શકાય તો તેનો ફાયદો વિરાટ કોહલીની ટીમ ઇન્ડિયાને મળી શકે છે. એક રીતે કહીએ તો વરસાદને કારણે ભારતીય ટીમ સેમી ફાઇનલ રમવા વગર સીધી ફાઇનલમાં પહોંચી શકે તેમ છે. તેનું સૌથી મોટું કારણ ગ્રુપ સ્ટેજમાં તેના સૌથી વધુ પોઇન્ટ છે. એ પણ ઉલ્લેખનીય છે કે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની લીગ મેચ વરસાદને કારણે ધોવાઇ ગઇ હતી. તેથી લીગ સ્ટેજની મેચનું કોઇ પરિણામ આવ્યું ન હોવાથી એ બાબત અહીં ધ્યાને નહીં લેવાય.