હાલના વર્લ્ડકપમાં અત્યાર સુધીના પોતાના પ્રવાસમાં ટીમ ઇન્ડિયાએ જોરદાર પ્રદર્શન કરીને સેમી ફાઇનલમાં એન્ટ્રી કરી છે. ટીમ ઇન્ડિયાએ લીગ મેચમાં માત્ર 1 મેચમાં પરાજયનો સામનો કરવો પડ્યો છે અને તેમની એક મેચ વરસાદે ધોઇ નાંખી છે આ સિવાયની તમામ મેચ જીતીને ભારતીય ટીમે નંબર વન પોઝિશન સાથે અંતિમ ચારમાં સ્થાન મેળવ્યું છે અને આવતીકાલે અહીં તેનો મુકાબલો પહેલી સેમી ફાઇનલમાં ચોથા ક્રમે રહેલા ન્યુઝીલેન્ડની સામે છે. આ સિવાયની બીજી સેમી ફાઇનલમાં નંબર ટુ ઓસ્ટ્રેલિયા અને નંબર થ્રી ઇંગ્લેન્ડની વચ્ચે જંગ ખેલાશે. આઇસીસી રેન્કિંગમાં ટોચના ચાર ક્રમની ચાર મજબૂત ટીમે સેમી ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે ત્યારે હવે બંને સેમી ફાઇનલ રોમાંચક બની રહેવાની સંભાવના છે. દરેક ટીમના સેમી ફાઇનલ સુધીનો પ્રવાસ પણ રોમાંચક રહ્યો છે. અને દરેક ટીમે સેમી સુધીના પ્રવાસમાં પોતાની ટીમની મજબૂતાઇને જાળવી રાખી છે.
ભારતીય ટીમ લીગ રાઉન્ડમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું ને ઇંગ્લેન્ડ સામે હારી
સૌથી પહેલા ટીમ ઇન્ડિયાની વાત કરીએ તો વર્લ્ડકપની લીગ રાઉન્ડની 9 મેચમાંથી ભારતીય ટીમે 7 મેચ જીતી છે અને એકમાત્ર ઇંગ્લેન્ડ સામે તેમનો પરાજય થયો છે. તો ન્યુઝીલેન્ડ સામેની ટીમ ઇન્ડિયાની મેચ વરસાદે ધોઇ નાંખી હતી. આમ 9 મેચમાં 7 જીત અને એક મેચ વરસાદે ધોઇ નાંખી હોવાથી ટીમ ઇન્ડિયાના કુલ 15 પોઇન્ટ છે. ભારતીય ટીમે લીગ રાઉન્ડમાં ઓસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમને પછાડી હતી એ તેમના માટે હકારાત્મક બાબત છે. ન્યુઝીલેન્ડની ટીમ પોતાની 3 મેચ હારી ચુકી છે અને તેથી ટીમ ઇન્ડિયા તેની સામે મજબૂત જણાય છે.
ભારત : 9 મેચ – 7 જીત – 1 હાર
- દિક્ષણ આફ્રિકાને 6 વિકેટે હરાવ્યું
- ઓસ્ટ્રેલિયાને 36 રને હરાવ્યું
- ન્યુઝીલેન્ડ સામેની મેચ વરસાદમાં ધોવાઇ
- પાકિસ્તાનને 89 રને હરાવ્યું
- અફઘાનિસ્તાનને 11 રને હરાવ્યું
- વેસ્ટઇન્ડિઝને 126 રને પછાડ્યું
- ઇંગ્લેન્ડ સામે 31 રને હાર્યા
- બાંગ્લાદેશને 28 રને હરાવ્યું
- શ્રીલંકાને 7 વિકેટે પરાસ્ત કર્યું
સારી શરૂઆત પછી ન્યુઝીલેન્ડની ટીમ મોટી ટીમો સામે હારી
ન્યુઝીલેન્ડે વર્લ્ડકપની પોતાની પહેલી જ મેચમાં શ્રીલંકાને 10 વિકેટથી હરાવીને પોતાના અભિયાનની જોરદાર શરૂઆત કરી હતી. તે પછી તેમણે બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન સામે પણ મોટા વિજય મેળવ્યા હતા. જોકે આ ત્રણેય ટીમ વર્લ્ડ રેન્કિગંમાં નીચલા ક્રમની ટીમ છે. તેમનો ખરો ટેસ્ટ શરૂ થવાનો હતો તે ભારત સામેની મેચ વરસાદે ધોઇ નાંખી હતી, તે પછી તેમણે દક્ષિણ આફ્રિકા સામે પણ 4 વિકેટે વિજય મેળવ્યો હતો. તો વેસ્ટઇન્ડિઝ સામે તેઓ બ્રેથવેટની એક ભુલને કારણે હારતા હારતા જીત્યા હતા. એ મેચ તેઓ માત્ર પાંચ રને જીત્યા એ વાત જ એવો અંદાજ આપી જાય છે કે તેમણે એ મેચ ગુમાવી જ દીધી હતી પણ અંત સમયે નસીબે તેમને સાથ આપ્યો. તે પછી તેઓ પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ સામે સતત 3 મેચ હારી ગયા અને તેઓ પોઇન્ટ ટેબલમાં 11 પોઇન્ટ સાથે ચોથા સ્થાને રહ્યા.
ન્યુઝીલેન્ડ : 9 મેચ – 5 જીત્યા – 3 હાર્યા
- શ્રીલંકાને 10 વિક્ટે પરાસ્ત કર્યું
- બાંગ્લાદેશ સામે 2 વિકેટે જીત્યા
- અફઘાનિસ્તાનને 7 વિકેટે હરાવ્યું
- ભારત સામેની મેચ વરસાદે ધોઇ નાખી
- દિક્ષણ આફ્રિકા સામે 4 વિકેટે જીત્યા
- વેસ્ટઇન્ડિઝ સામે માત્ર 5 રને જીત્યા
- પાકિસ્તાન સામે 6 વિકેટથી પરાજય
- ઓસ્ટ્રેલિયા સામે 86 રને હાર્યા
- ઇંગ્લેન્ડ સામે 119 રને પરાજય
મજબૂત ઓસ્ટ્રેલિયા માત્ર ભારત અને દક્ષિણ આફ્રિકા સામે હાર્યું
પાંચ વારની વિશ્વ વિજેતા ટીમ ઓસ્ટ્રેલિયા હાલના વર્લ્ડ કપમાં પ્રબળ દાવેદાર બનીને ઉભરી છે. વર્લ્ડકપ પહેલા તેની ગણતરી કરવામાં આવી નહોતી પણ હવે તે પ્રબળ દાવેદારોમાં સામેલ થઇ ગઇ છે, તેની પાછળનું કારણ વર્લ્ડકપમાં તેમનું પ્રદર્શન રહ્યું છે. વર્લ્ડકપની બીજી સેમી ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે જંગ ખેલાવાનો છે અને એ મેચ રોમાંચક બની રહેવાની સંભવના છે. આમ તો જો કે લીગ રાઉન્ડમાં ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને 64 રને હરાવ્યું હતું. જો ઓસ્ટ્રેલિયાના વર્લ્ડકપના પ્રદર્શનને ધ્યાને લેવામાં આવે તો 9 મેચમાંથી તે માત્ર બે મેચમાં ભારત અને દક્ષિણ આફ્રિકા સામે હાર્યું છે અને 7 મેચમાં તે જીત્યું છે. દક્ષિણ આફ્રિકા સામેની મેચ તો તેઓ માત્ર 10 રને હાર્યા છે. એ રીતે જોઇએ તો ઓસ્ટ્રેલિયાની ટીમ સેમી ફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે મજબૂત લાગે છે.
ઓસ્ટ્રેલિયા : 9 મેચ – 7 જીત્યા – 2 હાર્યા
- અફઘાનિસ્તાનને 7 વિકેટે હરાવ્યું
- વેસ્ટઇન્ડિઝ સામે 15 રમે જીત્યા
- ભારત સામે 36 રને પરાજીત
- પાકિસ્તાનને 41 રને હરાવ્યું
- શ્રીલંકા સામે 87 રને જીત્યા
- બાંગ્લાદેશને 48 રને હરાવ્યું\
- ઇંગ્લેન્ડ સામે 64 રને જીત્યા
- ન્યુઝીલેન્ડને 86 રને હરાવ્યું
- દક્ષિણ આફ્રિકા સામે 10 રને હાર્યા
ઘરઆંગણે પહેલીવાર વિશ્વ ચેમ્પિયન બનવાની રેસમાં ઇંગ્લેન્ડ
ક્રિકેટના જન્મદાતા ગણાતા ઇંગ્લેન્ડે અત્યાર સુધીમાં એક પણ વર્લ્ડકપ જીત્યો નથી. તેની પાછળનું સૌથી મોટું કારણ તેમના દ્વારા વનડેને અપાતું ઓછું મહત્વ ગણાય છે. જો કે 2015ના વર્લ્ડકપમાં ઇંગલેન્ડની ટીમ ખરાબ રીતે હારી તે પછી ઇસીબીએ ઇંગ્લેન્ડની વનડે ટીમની કાયાપલટ કરી નાંખી છે અને છેલ્લા ચાર વર્ષમાં આ ટીમ વનડેમાં સતત જીતતી રહી, તેના કારણે આઇસીસી વનડે રેન્કિંગમાં ટોચના સ્થાને પણ પહોંચી, ઇંગ્લેન્ડની ટીમે 9માંથી 6 મેચ જીતીને 3માં પરાજય મેળવ્યો છે. જો કે તેમણે ભારત અને ન્યુઝીલેન્ડ જેવી મજબૂત ટીમોને હરાવી છે. હવે સેમી ફાઇનલમાં તેમનો મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે છે. જેની સામે તેઓ લીગ મેચમાં હાર્યા હતા. 12 પોઇન્ટ સાથે ત્રીજા સ્થાને રહેલી ઇંગ્લેન્ડની ટીમ માટે હાલના વર્લ્ડકપમાં ચેમ્પિયન થવાની સારી તક છે અને તેમના માટે સ્થિતિ અભી નહીં તો કભી નહીં જેવી છે.
ઇંગ્લેન્ડ : 9 મેચ – 6 જીત્યા – 3 હાર્યા
- દક્ષિણ આફ્રિકાને 104 રને હરાવ્યું
- પાકિસ્તાન સામે 14 રનથી હાર્યુ
- બાંગ્લાદેશને 106 રને હરાવ્યું
- વેસ્ટઇન્ડિઝ સામે 8 વિકેટે જીત્યા
- અફઘાનિસ્તાનને 150 રને હરાવ્યું
- શ્રીલંકા સામે 20 રનથી હાર્યું
- ઓસ્ટ્રેલિયા સામે 64 રને હાર્યા
- ભારતને 13 રને હરાવ્યું
- ન્યુઝીલેન્ડ સામે 119 રને જીત્યા