ગોવાની બીજેપી સરકાર લગ્નને લઈ ટુંક સમયમાં એક કાયદો બનાવવા જઈ રહી છે. આ કાયદા હેઠળ લગ્ન પહેલા એચઆઈવી ટેસ્ટ કરાવવાનું ફરજીયાત બની શકે છે. ગોવાના સ્વાસ્થ્ય અને કાયદા મંત્રી વિશ્વજીત રાણેએ કહ્યું કે, સરકાર વિવાહના રજીસ્ટ્રેશન પહેલા એચઆઈવી ટેસ્ટ ફરજીયાત કરવા પર વિચાર કરી રહી છે. આ પ્રસ્તાવ પર કાયદા વિભાગની સલાહ પણ લેવામાં આવી રહી છે.
ગોવાના સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું કે, હાલમાં તેના માટે પ્રયાસ ચાલુ છે. પ્રસ્તાવને કેટલાક વિભાગો પાસે મોકલી દેવામાં આવ્યો છે. વિચાર-વિમર્શ બાદ જ તેને આખરી ઓપ આપવામાં આવશે. જો વિભાગ મંજૂરી આપે છે તો, અમે વિધાનસભાના મોનસૂન સત્રમાં કાયદો બાનવીશું. મોનસૂન સત્ર 15 જુલાઈથી શરૂ થઈ રહ્યું છે.
સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, તે ઈચ્છે છે કે, આ કાયદાની સાથે જ લગ્ન પહેલા થેલિસીમીયાનો ટેસ્ટ પણ જરૂરી કરવામાં આવે. જેથી આ બીમારીથી પીડિત માતા-પિતાના બાળકને આ બીમારીથી દૂર રાખી શકાય. તેમણે કહ્યું કે, તે બંને કાયદાને એક સાથે લાગૂ કરાવવાના પક્ષમાં છે અને એ સંભવ પણ છે, કેમ કે, ગોવા પ્રગતિશીલ રાજ્ય છે.