ઇંગ્લેન્ડ અને વેલ્સમાં રમાઇ રહેલો આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપ તેના અંતિમ પડાવે પહોંચી ગયો છે અને રવિવારે ફાઇનલ રમાવા સાથે તેની પૂર્ણતા થશે ત્યારે ટીમ ઇન્ડિયા ભલે સેમી ફાઇનલમાંથી આઉટ થઇ ગઇ હોય પણ તે છતાં આઇસીસી દ્વારા પ્રાઇઝ મની તરીકે વહેંચાનારી 70 કરોડ રૂપિયાની રકમમાંથી ભારતીય ટીમ પર પણ થોડી ધનવર્ષા થશે અને ઍક અંદાજ મુજબ ભારતીય ટીમના ફાળે 7.60 કરોડ રૂપિયા જેવી રકમ આવી શકે છે.
વર્લ્ડકપ 2019માં કુલ 45 લીગ મેચ, 2 સેમી ફાઇનલ રમાઇ ચુકી છે અને તેમાંથી ટીમ ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા સહિત કુલ 8 ટીમો બહાર થઇ ચુકી છે. રવિવારની ફાઇનલ ન્યુઝીલેન્ડ અને યજમાન ઇંગ્લેન્ડ વચ્ચે રમાશે. ટીમ ઇન્ડિયા ભલે વર્લ્ડકપની સેમી ફાઇનલમાં હારીને બહાર થઇ હોય પણ તે છતાં પ્રાઇઝ મનીમાંથી તેને 10 ટકા કરતાં વધુ રકમ મળશે ઍ નક્કી છે.
આઇસીસી દ્વારા આ વખતે પ્રાઇઝ મની તરીકે કુલ 70 કરોડ રૂપિયાની વહેંચણી કરવામાં આવશે. જેમાંથી સેમી ફાઇનાલિસ્ટ તરીકે ઉપરાંત લીગ મેચ સહિતની અન્ય રકમો મળીને ટીમ ઇન્ડિયાના ખાતામાં કુલ મળીને 7.60 લાખ રૂપિયા આવી શકે છે. આઇસીસી અને વર્લ્ડકપ આયોજકોના જણાવ્યા અનુસાર ટીમ ઇન્ડિયાને આ રકમ ત્રણ અલગ અલગ આધારે મળશે.
ટીમ ઇન્ડિયાને આ રીતે મળશે કુલ 7.60 કરોડ રૂપિયા
સેમી ફાઇનલમાં હારનારી ટીમ તરીકે મળશે 5.5 કરોડ રૂપિયા
ઍક લીગ મેચ જીતવાના 28 લાખ મળીને 7 મેચના 1.96 કરોડ રૂપિયા
મેચ રદ થવાની સ્થિતિમાં બંને ટીમને મળનારા ૧૪-૧૪ લાખ રૂપિયા
આ રીતે ભારતીય ટીમને 5.5 કરોડ પ્લસ 1.96 કરોડ લીગ મેચના અને રદ મેચના 14 લાખ મળીને કુલ 7.60 કરોડ રૂપિયા મળી શકે છે.