એવું બની શકે છે કે, વિકેન્ડ પર તમારો પિક્ચર વિકચર જોવાનો પ્રોગ્રામ બની જાય. થિયેટરમાં ફિલ્મ પહેલા રાષ્ટ્ર ગાન વાગશે અને આપણા માંથી જ કોઈ બૂમ પાડશે કે ‘ભારત માતાની જય’ અને પછી બીજા અવાજ આવશે ‘જય’. પછી તમે ફિલ્મ જોવામાં વ્યસ્ત થઈ જશો. પણ તમે એક પળ માટે પણ વિચાર કર્યો કે, જેટલી વાર તમે રાષ્ટ્ર ગાનમાં ઉભા હતા, ભારત માતાની જય બોલાવી રહ્યા હતા, બસ એટલી જ વારમાં આપણી આસપાસ કોઈ નાની ગુડિયા પોતાને છોડી દેવાની ભીખ માંગી રહી હશે. સામે લોકો હશે, પણ એ માણસ માંથી જાનવરમાં બદલાઈ ગયેલા લોકો હશે. અને તમારી ફિલ્મ પુરી થતા સુધીમાં બાળકીના સપ્તરંગી સપના ચપટીમાં મસળી દેવામાં આવશે.
જી હા, આંકડાઓ આવ્યા છે, નાદાન બાળકીઓ સાથે થતા બળાત્કારના આંકડાઓ, અને આને સાંભળીને તમે ચિંતામાં મુકાઈ જશો. કેન્દ્ર અને રાજ્ય સરકાર એવું બોલતી રહી છે કે, દીકરીઓ હવે ભણી રહી છે, બચી રહી છે, વર્ષોથી ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અભિયાન ચાલી રહ્યું છે. સરકાર કહી રહી છે કે, આ કામ યુદ્ધના ધોરણે થઈ રહ્યું છે. પણ આંકડાઓ બતાવી રહ્યા છે કે, દીકરીઓ માટે ખરેખર યુદ્ધ જેવી હાલત બની ગઈ છે, જ્યાં દીકરીઓએ જાતે જ બચવાનું છે, અને બચી જાય તો ભણવાનું છે.
કેવી રીતે મળ્યા આંકડાઓ?
મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઈએ સુપ્રીમ કોર્ટ રજીસ્ટ્રીને આંકડોઓ શોધવા કહ્યું હતું. આંકડાઓ કઈ બાબતના? બાળકીઓ સાથે થયેલ બળાત્કારના, નાદાન બાળકીઓ સાથે થયેલ બળાત્કાર. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાએ કહ્યું હતું કે, આંકડાઓમાં 2 વસ્તુ હોવી જોઈએ, પહેલું એ કે છેલ્લા 6 મહિનામાં નાદાન બાળકીઓ સાથે બળાત્કારના કેટલા હુમલા થયા, બીજું એ કે કેટલા કિસ્સામાં ન્યાય થઈ ચૂક્યો છે. જે આંકડાઓ આવ્યા છે એ હૃદયના ધબકારા રોકી દે તેવા છે. એકવાર પણ વિશ્વાસના થાય કે હાલત આટલી ખરાબ થઈ ગઈ છે. વિશ્વાસ નથી થતો કે જયારે આપણે રસ્તાઓ પર ધર્મ અને જાતિ માટે લડાઈઓ લડી રહ્યા હતા, ત્યારે આપણી દીકરીઓ દબોચાઇ રહી હતી.
મુખ્ય ન્યાયાધીશે ૧૨ જુલાઈએ કહ્યું કે, મીડિયામાં આવી રહેલી સતત બાળકીઓ પર થતા બળાત્કારની ઘટનાઓના આંકડાઓ શોધવા માટે સુપ્રીમ રજીસ્ટ્રીને કહ્યું હતું. કોર્ટે કહ્યું કે, આખા દેશમાં પહેલી જાન્યુઆરીથી ૩૦ જૂન વચ્ચે આવા મામલામાં દાખલ એફઆઇઆર અને કરવામાં આવેલી કાર્યવાહીનો આંકડો શોધવામાં આવે. રજીસ્ટ્રીએ આખા દેશની બધી હાઈકોર્ટ પાસે આંકડાઓ માંગ્યા અને નોંધણી તૈયાર કરી.
અને આંકડાઓ શું બોલે છે?
બોલતા નથી ચીસો પાડે છે. મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઈના સૂત્રધારે જણાવ્યું કે, એક જાન્યુઆરીથી ૩૦ જૂન સુધી દેશભરમાં બાળકો પર થયેલ દુષ્કર્મની ૨૪,૨૧૨ એફઆઈઆર દાખલ થઈ છે. એમાંથી ૧૧,૯૮૧ કિસ્સાની તપાસ ચાલી રહી છે. જયારે ૧૨,૨૩૧ કેસમાં ચાર્જશીટ રજૂ થઈ ચૂકી છે, પણ ટ્રાયલ માત્ર ૬,૪૪૯ કિસ્સામાં જ શરૂ થઈ છે. આમાં માત્ર ૪ ટકા એટલે કે ૯૧૧ કિસ્સા ઉકેલવામાં આવ્યા છે. કોર્ટના વરિષ્ઠ વકીલ વી. ગિરીને ન્યાય મિત્ર નિયુક્ત કરવામાં આવ્યા છે. જસ્ટિસ રંજન ગોગોઈએ એડવોકેટ ગીરીને કહ્યું છે કે ‘તમે આકડાઓનું અધ્યયન કરો, અને સોમવારે સલાહ આપો કે અદાલત શું નિર્દેશ રજૂ કરી શકે?’
બાળકોના યૌન ઉત્પીડનને લઈને સુપ્રીમ કોર્ટેની પહેલ ઉપર તૈયાર સૂચિમાં ઉત્તર પ્રદેશ ૩,૪૫૭ કેસ સાથે સૌથી ઉપર છે. હા, યોગીનું ઉત્તર પ્રદેશ. ડાયરેક્ટ એન્કાઉન્ટર વાળું પ્રદેશ. જો ઉત્તર પ્રદેશના આ આંકડાઓ તમને શરમજનક પરિસ્થિતિમાં મૂકી દે છે, તો તમારી શરમ બમણી થઈ જશે આ જાણીને કે, ઉત્તર પ્રદેશની પોલિસે આ આંકડાઓને નંબર વન કહ્યા છે. પણ ‘એક્શન ના લેવામાં નંબર વન’ અહીંયા ૫૦% થી વધુ કેસોમાંથી ૧૭૭૯ માં તપાસ ચાલી રહી છે, જે બહુ ધીમી છે. મધ્ય પ્રદેશ ૨,૩૮૯ કેસ સાથે બીજા નંબર પર છે, અને અહીંયા પોલીસ થોડી વધારે ગતિમાં જોવા મળે છે. ૧,૮૪૧ કેસોમાં ચાર્જશીટ રજૂ થઈ ગઈ છે.
હાલત આનાથી પણ વધારે ખરાબ છે :
આ એ આંકડાઓ છે જે રિપોર્ટ થયા છે, જેના પર FIR થઈ છે અને દેશમાં તમામ સંસ્થાઓ જે બિન સરકારી છે, અને બાળકો માટે કામ કરી રહી છે તેમનું કહેવું છે કે, બાળકો સાથે થયેલા યૌન શોષણમાં દસમાંથી સાત કિસ્સા ક્યાંય પણ રિપોર્ટ થયા હોતા નથી. એટલે કે ૭૦ ટકા મામલા કોઈ કારણોને લીધે ચાર દીવાલોમાં દબાઈને રહી જાય છે. ઘણા કિસ્સામાં બાળકોને ખબર પણ નથી હોતી કે, તેમની સાથે કંઈક ખોટું થયું છે. સાત મહિનાની બાળકી કેવી રીતે સમજશે કે તેની સાથે શું થયું છે? જ્યાં સુધી આ મામલો ઘરવાળા સામે ના આવી જાય.
બાળકો સાથે હદવગર વધી રહેલા યૌન અપરાધ ઘણી ગંભીર સમસ્યા છે. અને આ બધુ ત્યારે થઈ રહ્યું છે જયારે બળાત્કારના મામલામાં ફાંસીની સજા પણ થઈ શકે છે. કદાચ એટલે જ જસ્ટિસ રંજન ગોગોઈએ આ આંકડાઓ જોઈને હતાશ થઈને કહ્યું કે ‘લાગે છે કે લોકોમાં કાનૂનનો, સજાનો કોઈ ડર નથી.’
આ મહાદેશની ન્યાયપાલિકા અને ન્યાયના જવાબદારીઓ હતાશ છે. બધા ચૂપ છે. દર વખતે કાયદાને કડક કરવાની વાત કરવામાં આવે છે. પણ ફાંસીથી વધુ કડક સજા બીજી શું થઈ શકે? કે કદાચ આપણે સમાધાન જ ક્યાંક બીજે શોધી રહ્યા છીએ.