આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપમાં ભારતીય ટીમની સેમી ફાઇનલમાં હાર થઇ તે પછી હજુ પણ ટીમના ચોથા ક્રમના બેટ્સમેન મામલે ચર્ચાઓ ચાલુ જ છે. આ ક્રમે યોગ્ય બેટ્સમેનની પસંદગી ન કરવાને કારણે ટીમ ઇન્ડિયા પર હજુ પણ ટીકાઓનો મારો ચાલી રહ્યો છે. માજી પસંદગીકાર સંજય જગદાલે દ્વારા આ મામલે ટીકા કરાયા પછી હવે ભારતીય ટીમના માજી ઓલરાઉન્ડર યુવરાજ સિંહે પણ આ બાબતે ટીમ ઇન્ડિયાની ટીકા કરી છે.
યુવરાજે ક્હ્યું હતું કે ટીમ મેનેજમેન્ટે ચોથા ક્રમ માટે કોઇને તૈયાર કરવો જોઇતો હતો. જો ચોથા ક્રમનો બેટ્સમેન ન ચાલી રહ્યો હોય તો તે ખેલાડીને કહેવાનું હતું કે તારે વર્લ્ડકપ રમવાનો છે. તેણે કહ્યું હતું કે ૨૦૦૩ની જેમ કરવાનું હતું, તે સમયે ટીમ વર્લ્ડકપ પહેલા ન્યુઝીલેન્ડ સામે રમી હતી પણ સારું રમી નહોતી. તે પછી પણ ઍ જ ટીમ વર્લ્ડકપ ૨૦૦૩માં રમી હતી. ઍક સમયના ચોથા ક્રમના મહત્વના બેટ્સમેન યુવરાજે ક્હ્યું હતું કે અંબાતી રાયડુને ટીમમાં પસંદ ન કરાયો ત્યારે મને નવાઇ લાગી હતી. બીજી તરફ પંતને ટીમમાં રખાયો અને પછી પડતો મુકાયો. રાયડુઍ તો નિવૃત્તિ જ લઇ લીધી ઍવું તેણે કહ્યું હતું.
યુવરાજે કહ્યું હતું કે નંબર 4 ઍવી જગ્યા છે કે જ્યાં કોઇ સારું રમતું હોય તો તમારે તેનું સમર્થન કરવું જોઇઍ. કોઇપણ ખેલાડીને આ રીતે ડ્રોપ ન કરી શકાય. કાર્તિકને પણ ત્યાં અજમાવાયો પણ સાચું કહું તો ટીમ મનેજમેન્ટ પાસે નંબર ચાર માટે કોઇ યોજના જ નહોતી.