ભારતીય ક્રિકેટ ટીમ 2019ના વર્લ્ડકપની સેમી ફાઇનલમાં હારી ગઇ તેનાથી એક વાતની ચર્ચા એ શરૂ થઇ છે કે ભારતીય ટીમ વિરાટ કોહલી અને રોહિત શર્મા પર વધુ પડતી નિર્ભર બની ગઇ છે અને સાથે જ એક એવી પણ ચર્ચા ઉઠી છે કે ટીમમાં વિરાટ કોહલી અને રોહિત શર્માના રૂપમાં બે જૂથ બની ગયા છે, હવે જ્યારે ટીમમા ભાગલાં પડવાની વાતો શરૂ થઇ છે ત્યારે બીસીસીઆઇએ પણ ભાગલાંવાદી નીતિ અપનાવવાનો નિર્ણય કરીને ટીમના સુકાનીપદમાં ભાગલાં પાડી દેવાનું નક્કી કર્યું છે.
બોર્ડના એક અધિકારીએ કહ્યું હતું કે આગામી સિરીઝ પહેલા એ વાતની ચર્ચા કરવામાં આવશે કે શું રોહિતને વનડે ટીમનું સુકાન સોંપી દેવામાં આવે અને વિરાટને માત્ર ટેસ્ટ ટીમના સુકાની તરીકે જાળવી રાખવો જોઇએ. અધિકારીએ કહ્યું હતું કે રોહિતને 50 ઓવરના ફોર્મેટ માટે ટીમનો સુકાની બનાવી દેવો જોઇએ. તેના માટે આ જ યોગ્ય સમય રહેશે. હાલના કેપ્ટન અને મેનેજમેન્ટને પુરતુ સમર્થન મળેલું છે, પણ જો આગલા વર્લ્ડકપને ધ્યાને લઇને યોજના બનાવવાની હોય તો આ સમય જ યોગ્ય છે. તેના માટે હાલના વિચારો અને યોજનાઓને નવેસરથી ધ્યાને લેવાની જરૂર છે. તેમના મતે રોહિત કેપ્ટનશિપ માટે યોગ્ય વિકલ્પ બનશે.
