સોમવારે જાહેર થયેલા ઍટીપી રેન્કિંગમાં રોહન બોપન્ના ફરી ઍકવાર ભારતનો નંબર વન ડબલ્સ પ્લેયર બની ગયો છે. બોપન્ના વિશ્વ ટેનિસ ડબલ્સ રેન્કિંગમાં 3 ક્રમ ઉપર ચઢીને 43માં ક્રમે પહોંચી ગયો છે. 3 ક્રમ ઉપર ચઢવાને કારણે તે ભારતનો નંબર વન ડબલ્સ ખેલાડી બની ગયો છે. છેલ્લા અઠવાડિયા સુધી ભારતીય ખેલાડીઓમાં ટોચના સ્થાને રહેલો દિવિજ શરણ 3 ક્રમ નીચે ઉતરીને 46માં ક્રમે પહોંચી ગયો છે. દિગ્ગજ ટેનિસ ખેલાડી લિઍન્ડર પેસ પણ ડબલ્સ રેન્કિંગમાં 3 ક્રમ ઉપર ચઢીને 72માં સ્થાને પહોંચ્યો છે.
સોમવારે જાહેર કરવામાં આવેલા ડબલ્યુટીઍ અને ઍટીપી રેન્કિંગમાં મહિલાઓના ટોપ ટેનમાં કોઇ ફેરફાર થયો નથી. જ્યારે પુરૂષોના ટોપ ટેનમાં રશિયાના ડેનિયલ મેડવેડવ કેરિયર બેસ્ટ ૯માં ક્રમે પહોંચી ગયો છે. મહિલાઓમાં ઍશ્લે બાર્ટી પહેલા તો નાઓમી ઓસાકા બીજા અને કેરોલિના પ્લિસકોવા ત્રીજા ક્રમાંકે જળવાઇ રહ્યા છે અને તેમના ટોપ ટેનમાં ઍક પણ ફેરફાર થયો નથી. હાલેપ ચોથા અને સેરેના પાંચમા ક્રમે યથાવત રહ્યા છે.
પુરૂષોના ઍટીપી રેન્કિંગમાં ટોચના 8 ક્રમાંકોમાં કોઇ ફેરફાર થયો નથી, પણ 9માં ક્રમે મેડવેડવ પહોંચતા અહીંથી ઇટલીના ફાબિયો ફોગનીનીઍ હટીને 10માં ક્રમે સરકી જવું પડ્યું છે. જોકોવિચ પહેલા, તો ફેડરર ત્રીજા અને નડાલ બીજા સ્થાને યથાવત રહ્યા છે. ટોપ ટેન બહાર જાન ઇસ્નર ઍક ક્રમનો સુધારો કરીને 14માં સ્થાને પહોંચ્યો છે.