ભારતના યુવા શટલર બી સાઇ પ્રણીતે મંગળવારે જાપાન ઓપનમાં પોતાનું અભિયાન વિજય સાથે શરૂ કરીને પહેલા રાઉન્ડમાં જ 10માં ક્રમાંકિત જાપાનીઝ ખેલાડી કેન્ટા નિશિમોટોને હરાવીને અપસેટ કર્યો હતો. બિન ક્રમાંકિત પ્રણીતે નિશિમોટોને સીધી ગેમમાં 21-17, 21-13થી હરાવ્યો હતો.
બીજા રાઉન્ડમાં પ્રણીતનો સામનો હવે અન્ય જાપાનીઝ ખેલાડી અને વર્લ્ડ નંબર ૧૫ કેન્ટા સુનેમાયા સાથે થશે. સુનેમાયાઍ પણ અપસેટ કરીને બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. સુનેમાયાઍ ચીનના ઓલિમ્પિક્સ ચેમ્પિયન ચેન લોંગને 21-14, 21-17થી હરાવ્યો હતો. પ્રણીત અને નિશિમોટો વચ્ચે આ ત્રીજી મેચ હતી, આ પહેલા ઓક્ટોબર 2017માં ફ્રેન્ચ ઓપન દરમિયાન બંને વચ્ચે રમાયેલી મેચમાં નિશિમોટોઍ પ્રણીતને 21-13, 21-17થી હરાવ્યો હતો. તે પછી માર્ચ 2018માં ઇન્ડિયા ઓપનમાં પ્રણીતે નિશિમોટો સામે 16-21, 21-12, 21-19થી જીત મેળવીને સનસનાટી મચાવી હતી.
મિક્ષ્ડ ડબલ્સમાં અશ્વિની પોનપ્પા અને સાત્વિક સાઇરાજ રંકી રેડ્ડીની જાડી પણ બીજા રાઉન્ડમાં પહોંચી હતી. જો કે પુરૂષ ડબલ્સમાં મનુ અત્રી અને બી સુમિત રેડ્ડીની જોડી હારીને આઉટ થઇ હતી.