ભારતની સ્ટાર શટલર સાઇના નેહવાલે જાપાન ઓપન શરૂ થવાના થોડા સમય પહેલા જ તેમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. ઍવું કહેવાયું છે કે ફિટનેસની સમસ્યાને કારણે સાઇનાઍ પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. તે આવતા મહિને થનારી વર્લ્ડ ચેમ્પિયનશિપની તૈયારીમાં જોતરાશે અને તેના માટે પોતાની ફિટનેસ સુધારવા પર કામ કરી રહી છે. આ તરફ સાઇના ખસી જતાં આ સિઝનના પોતાના પહેલા ટાઇટલને જીતવાના પ્રયાસમાં રત પીવી સિંધુ પર ભારતીયોની આશા મંડાઇ છે. સિંધુની પહેલી મેચ બુધવારે રમાશે.
એ ઉલ્લેખનીય છે કે પીવી સિંધુ છેલ્લા 7 મહિનામાં એકપણ ટાઇટલ જીતી શકી નથી અને આ વર્ષ તેના માટે અત્યાર સુધી કોરું રહ્યું છે ત્યારે જાપાન ઓપનમાં તે ટાઇટલનો આ દુકાળ સમાપ્ત કરવા માગશે. છેલ્લે તે ઇન્ડોનેશિયા ઓપનની ફાઇનલમાં પહોંચી હતી પણ તેમાં તેનો પરાજય થતાં ટાઇટલ જીતતા તે રહી ગઇ હતી. આ વર્ષે ભારતીયોમાં એકમાત્ર સાઇના નેહવાલે એક ટાઇટલ જીત્યું છે.