ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં આજે બનેલી માર્ગ દુર્ઘટનામાં ઉન્નાવની બળાત્કાર પીડિતા ગંભીર રીતે ઘાયલ થઇ હતી જ્યારે તેની માસી અને કાકીનું મોત થયું હતું. અત્યંત ગંભીર રીતે ઘાયલ થયેલી બળાત્કારની પીડિતાને વધુ સારવાર માટે લખનઉના ટ્રોમાં સેન્ટરમાં દાખલ કરવામાં આવી હતી.
આ એજ બળાત્કાર પીડિતા છે જેની પર ભાજપના ધારાસભ્ય કુલદીપ સેેંગરે કથિત રીતે બળાત્કાર કર્યો હતો. મળતી માહિતી મુજબ પીડિતાના કાકા જેલમાં બંધ છે ત્યારે તેમને મળવા પરિવારના સભ્યો રાયબરેલી જઇ રહ્યા હતા. તેમની સાથે પીડિતાની માતા અને વકીલ પણ હતા.
એક ટ્રકે તેમની કારને ટક્કર મારી હતી.ઘાયલોને લખનઉના ટ્રોમા સેન્ટરમાં દાખલ કરાયા હતા. ઘટનાને બે વાહનો વચ્ચે થયેલી અથડામણ માનવામાં આવે છે, પરંતુ પીડિતાની બહેને કહ્યું હતું કે સેંગરે આ અકસ્માત કરાવ્યો હતો.ઘટનાની જાણ થતાં જ લખનઉ રેન્જના આઇજી એ ફોરેન્સિક ટીમને રવાના કરી હતી.
પોલીસે ટ્રક ડ્રાઇવર અને માલિકની ધરપકડ કરી હતી જેઓ ફતેહપુરના રહેવાસી છે. બળાત્કારની પીડિતાની બહેને કહ્યું હતું કે આ અકસ્માત ધારાસભ્ય અને તેના મળતિયાઓએ કરાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ એજ યુવતી છે જેણે ઉન્નાવના ધારાસભ્ય કુલદીપ સેંગર પર જ્યારે એ નોકરી માગવા ગઇ હતી ત્યારે સેંગર પર બળાત્કારનો આરોપ મૂક્યો હતો.
પીડિતાની બહેને કહ્યું હતું કે આ અકસ્માત પાછળ ભાજપના ધારાસભ્ય સેંગરનો જ હાથ છે.તેણે કહ્યું હતું કે સેંગરના માણસો જ આ અક્સ્માત પાછળ છે. લખનઉ આઇજીએ કહ્યું હતું કે કારમાં જગ્યા ના હોવાના કારણે પીડિતાનો બોડીગાર્ડ તેમની સાથે બેઠો નહતો.
દરમિયાન સમાજવાદી પાર્ટીના વિધાનપરિષદના સભ્ય ઉદયવીર અને સુનિલ સાજન ઘાયલોને મળવા માટે હોસ્પિટલે પહોંચી ગયા હતા. ધારાસભ્ય સેંગર વિરૂધ્ધ ઉન્નાવના માખી પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની કલમ ૩૬૩,૩૬૬,૩૭૬, ૫૦૬ અને પોક્સો હેઠળ ગુના નોંધાયેલા છે. વહીવટી તંત્રે આ ઘટનાની તપાસ સીબીઆઇ દ્વારા કરાવવા માગ કરી હતી, જેને એજન્સીએ સ્વીકારી લીધી હતી.