ઉન્નાવ કેસ અંગે પીડિતાએ સુપ્રીમ કોર્ટને લખેલા પત્ર અંગે સુનાવણી કરવામાં આવી હતી. કોર્ટે સુનાવણી દરમ્યાન ઉન્નાવ દુષ્કર્મનો કેસ યુપી બહાર ટ્રાન્સફર કરવાની વાત કરી હતી. સીજેઆઈએ અત્યાર સુધીમાં થયેલી તમામ તપાસનો રિપોર્ટ સીબીઆઈ પાસે માગ્યો છે. જેથી સીબીઆઈના જોઈન્ટ ડાયરેક્ટર સંપત મીણી સુપ્રીમ પહોંચ્યા હતા.
સીજેઆઈએ જણાવ્યુ કે, તમામ કેસને લખનઉથી દિલ્હી ટ્રાન્સફર કરવામાં આવે. પીડિતાના પત્રમાં પીડિતાએ પોતાના જીવને ખતરો હોવાની માહિતી આપી છે. જેથી આ મામલે તમામ કેસની સુનાવણી દિલ્હીની ફાસ્ટટ્રેક કોર્ટમાં કરવામાં આવે. કોર્ટમાં સુનાવણી દરમ્યાન સોલિસિટર જનરલે આ કેસની વધુ સુનાવણી આવતી કાલે કરવા અનુરોધ કર્યો હતો.
જોકે, કોર્ટે આ કેસની સુનાવણી આવતી કાલે કરવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે ઉન્નાવ કેસ મામલે આગામી સુનાવણી દરમ્યાન સોલિસિટર જનરલ અને સીબીઆઈના અધિકારીઓને કોર્ટમાં હાજર રહેવાના આદેશ આપ્યા છે.