ઓટોમોબાઇલ સેક્ટરમાં મંદીને કારણે ટાટા મોટર્સને એક મહિનામાં ચોથી વખત બ્લોક ક્લોઝર કરવો પડ્યો છે. કંપની પાસે કામના અભાવને કારણે આ મહિને ગુરુવારથી શનિવાર સુધી તેને ઉત્પાદન કામ ઠપ રાખવું પડ્યું હતું. જમશેદપુરની અંદર અને બહારના ઉદ્યોગોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મંદી અને વીજ દરમાં વધારાને કારણે આશરે ૩૦,૦૦૦થી વધુ કર્મચારીઓનું ભાવિ જોખમાયું છે.
બજારની મંદીને કારણે ટાટા મોટર્સને અનેક વખત બ્લોક ક્લોઝર્સની ફરજ પડી હતી. આ વિસ્તારની આશરે ૩૦ જેટલી સ્ટીલ કંપનીઓ બંધ થઇ છે અને તેમાંથી એક ડઝનથી વધુ કંપનીઓએ તો તેમનું શટર પાડી દીધું છે. તાતા મોટર્સની હાલત એટલી ખરાબ છે કે તેના ૧૦૦૦થી વધુ કામચલાઉ કામદારોને ૧૨ દિવસ માટે કામ વગર બેસી રહેવાની ફરજ પડી છે. કાયમી કર્મચારીઓને પાંચ ઓગસ્ટે ફરી ડ્યુટીમાં જોડાશે તો કામચલાઉ કર્મચારીઓને ૧૨ ઓગસ્ટે ફરીથી કામ પર આવી જવા કહેવાયું છે.
બજારમાં મંદીને કારણે તાતા મોટર્સને અનેક વખત બ્લોક ક્લોઝર્સનું પગલું ભરવું પડ્યું છે. છેલ્લાં બે મહિનામાં સરેરાશ ઉત્પાદન માત્ર એક મહિનામાં ૧૫ દિવસ જ થયું છે.
યુનિયનના સુત્રોએ જણાવ્યું હતું કે કંપની પાસે ઓગસ્ટમાં માત્ર એક અઠવાડિયાના જ ઉત્પાદનના ઓર્ડર છે. આને કારણે આ વિસ્તારમાં કંપનીના આશરે ૧૦૦૦ જેટલી ઓટો-આનુષાંગિક આશ્રિતોને પણ ભારે મુશ્કેલી થઇ રહી છે. બીજી બાજુ વીજ દરમાં ‘આકરા’ વધારાને કારણે સ્ટીલ સેક્ટર્સમાં મુશ્કેલી થઇ રહી છે. સ્ટીલ સેકટર્સમાં ઇલેક્ટ્રોનિક ભટ્ઠીઓ જ મહત્વનું હોઇ ત્યાં સ્થિતિ વણસી છે અને ૩૦ કંપનીઓનું શટર પડી ગયું છે.
આદિત્યપુર સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (એસિયા)ના પ્રમુખ ઇન્દર અગ્રવાલ જણાવે છે કે ‘એક ડઝનથી વધુ કંપનીઓની કામગીરી બંધ થઇ ગઇ છે. ઓટો સેક્ટરમાં મંદી નવી નથી. તે દર બેથી ત્રણ વર્ષે આવતી હોય છે. હું ટાટા મોટર્સના પ્લાન્ટ હેડને મળ્યો હતો અને તેમણે કહ્યું કે કંપનીને ત્રણથી ચાર દિવસ કામગીરી બંધ કરવી પડશે અને તે પછી વધુ સામાન્ય થઇ જશે. સપ્ટેમ્બર પછી બધુ સરખું થઇ જશે તેવી અમને અપેક્ષા છે. આ જુલાઇમાં કંપનીને વાહનો માટે ૪૦ ટકા ઓછો ઓર્ડર મળ્યો છે. કેટલીક કંપનીઓ મર્યાદિત ક્ષમતામાં કામગીરી કરી રહી છે અને કેટલાક મેઇન્ટેઇન્સ વર્ક અપનાવી ચૂકી છે.’
રાજ્ય સરકારે આ વર્ષે એપ્રિલથી વીજ દરમાં ૩૮ ટકાનો વધારો કરી દેતાં ૨૫થી ૩૦ સ્ટીલ કંપનીઓએ કામગીરી બંધ કરી દીધી છે. ઉત્પાદન ઘટી જતાં તેમની પાસે કંપનીને બંધ કરવા સિવાય બીજો કોઇ વિકલ્પ નહતો તેમ અગ્રવાલે કહ્યું હતું. લઘુ ઉદ્યોગ ભારતી પ્રમુખ રૂપેશ કટિયારે જણાવ્યું હતું કે જમશેદપુર, આદિત્યપુર અને ધાલભૂમગઢમાં આશરે ૧૦૦ કંપનીઓને મંદી અને વીજ દરમાં વધારાની અસર થઇ છે અને તેના કારણે ૩૦,૦૦૦થી વધુ કામદારોને અસર થઇ રહી છે.