5 ઓગસ્ટ. ભારત માટે ઐતિહાસિક દિવસ. 11 વાગ્યે અમિત શાહની રાજ્યસભામાં એન્ટ્રી થઈ. કાશ્મીરને લઈ ઘણા મતમતાંતરો ચાલી રહ્યા હતા. આખરે એ દિવસ પણ આવી ગયો. રાજ્યસભામાં અમિત શાહે કલમ 370ને હટાવવાની ઘોષણા કરી દીધી. આ સાથે કેટલા કેટલા નિર્ણયો થયા તેના પર એક નજર કરીએ.
- જમ્મુ કાશ્મીરમાં કલમ 370માં માત્ર ખંડ 1 લાગુ રહેશે
- નિર્ણયની રીતે જમ્મુ કાશ્મીરથી 35A હટાવી દેવામાં આવી
- લદ્દાખને જમ્મુ કાશ્મીરથી અલગ કરી દેવામાં આવ્યું
- હવે લદ્દાખ અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ હશે જ્યાં વિધાનસભા નહીં હોય
- જમ્મુ કાશ્મીર પણ કેન્દ્ર શાસિત પ્રદેશ હશે જો કે ત્યાં વિધાનસભા હશે.
- જે પણ પરિવર્તન કરવામાં આવ્યું તેને રાષ્ટ્રપતિ દ્રારા મંજૂરી આપી દેવામાં આવી છે.
- જેનો આદેશ ભારતના રાજપત્ર પર જાહેર કરવામાં આવ્યો છે
અમિત શાહે શું કહ્યું ?
સૌથી વધારે પૈસા કાશ્મીરમાં ગયા. પણ ત્રણ પરિવારોએ આજ સુધી કાશ્મીરને બંધક બનાવીને રાખ્યું છે. અમારે ન વોટ બેંક બનાવવી છે ના તો અમારી પાસે રાજનૈતિક ઈચ્છાશક્તિનો અભાવ છે. અમે એક રાષ્ટ્ર એક સંકલ્પ લઈને ચાલીએ છીએ. અને ભારત એક રહે તે જ ભાજપનું ધ્યેય છે.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કેન્દ્રીય કેબિનેટ અંગે રાજ્યસભામાં આર્ટિકલ 370 હટાવવાનો સંકલ્પ રજૂ કર્યો. તેમણે જણાવ્યુ કે, સરકાર જમ્મુ કાશ્મીર અંગે ચાર બિલ લઈને આવી છે. આર્ટિકલ 370ના તમામ ખંડ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તાક્ષર બાદ લાગૂ નહી થાય. અમિત શાહના નિવેદન બાદ વિપક્ષના સાંસદોએ રાજ્યસભામાં જોરદાર હંગામો કર્યો. સરકારના સંકલ્પથી પીડીપી સાંસદોએ પોતાના કપડા ફાડી નાખ્યા. અમિત શાહે જણાવ્યુ હતુ કે, લદ્દાખના લોકોની માગ હતી કે, લદ્દાખને કેન્દ્રશાંસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવે. જેથી જમ્મુ કાશ્મીર હવે કેન્દ્ર શાસિત પ્રદેશ ગણાશે. અને જમ્મુ કાશ્મીરથી લદ્દાખથી અલગ કરવામાં આવ્યુ. આ સાથે લદ્દાખને પણ કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો છે.
રાજ્યસભાની કાર્યવાહી શરૂ થતા કોંગ્રેસ સહિત વિપક્ષના નેતાઓએ જમ્મુ કાશ્મીર મુદ્દે સરકાર પાસે ચર્ચાની માગ કરી.. કોંગ્રેસ નેતા ગુલામનબી આઝાદે કહ્યુ કે, જમ્મુ કાશ્મીરની વિવિધ પાર્ટીના નેતાઓને નજરકેદ કરવામાં આવ્યા છે. વિપક્ષના સવાલનો જવાબ આપતા અમિત શાહે કેબિનેટ બેઠક અંગે જવાબ આપ્યા
કાશ્મીરના બંન્ને પૂર્વ મુખ્યમંત્રીઓ નજરકેદ
જમ્મુ કાશ્મીરમાં અડધી રાતે પીડીપી અધ્યક્ષ મહેબૂબા મુફ્તી અને એનસી નેતા ઓમર અબ્દુલ્લાને નજર કેદ કરવામાં આવ્યા હતા. નજર કેદ થયા બાદ ઓમર અબ્દુલ્લાએ ટ્વિટ કરી લોકોને શાંતિ જાણવી રાખવા અપીલ કરી હતી. ખીણમાં તણાવના પગલે ઈન્ટરનેટ, મોબાઈલ અને લેન્ડલાઈન સેવા બંધ કરી દેવામાં આવી છે. આ સાથે શાળા અને કોલેજોમાં રજા જાહેર કી દેવામાં આવી હતી. ખીણની સ્થિતિને ધ્યાનમાં રાખી કલમ 144 પણ લાગૂ કરી દેવામાં આવી હતી. નજર બંધ કરવામાં આવ્યા બાદ મહેબૂબા મુફ્તીએ ટ્વિટ કરીને જણાવ્યુ કે, આપણે લડાઈ લડવાની છે. જે આપણા અધિકાર છે તેના સંકલ્પને તોડવાનો કોઈપણ પ્રયાસ ન કરી શકે. આ ટ્વિટને એનસી નેતા ઓમર અબ્દુલ્લાએ રિ-ટ્વિટ કર્યુ હતુ. એનસી-પીડીપી નેતા સાથે કેટલાક ભાગલાવાદી નેતાઓને પણ નજર કેદ કરવામાં આવ્યા છે.